15 વર્ષ જૂના સોના જેવા ઘર માટીમાં મળ્યા; નાના બાળકો અને વૃદ્ધો સાથે રહીશો રસ્તા પર આવી જતાં ભારે આક્રોશ
વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર ડી-માર્ટની પાછળ, સંતોષીનગર-2 માં આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી વિવાદમાં રહેલા 13 જેટલા ગેરકાયદેસર મકાનો પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું હતું. લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાના અંતે આજે સવારથી જ પાલિકાનો કાફલો ઘટનાસ્થળે ત્રાટક્યો હતો.

દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે સિક્યુરિટી વિભાગ, વિધ્યુત વિભાગ, મેડિકલ ટીમ અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

પાલિકાના અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “આ મકાનો છેલ્લા 10 થી 15 વર્ષથી ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હતા. ટી.પી. સ્કીમ મુજબ આ જગ્યા રોડ-રસ્તામાં આવતી હોવાથી તેને દૂર કરવી અનિવાર્ય હતી. રહીશોને અગાઉ અનેકવાર નોટિસ આપવામાં આવી હતી અને મકાન ખાલી કરવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. તેમ છતાં મકાનો ખાલી ન કરાતા આજે કાયદેસરની કાર્યવાહી કરી દબાણ દૂર કરાયું છે.”

બીજી તરફ, જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તે રહીશોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રડતી આંખે સ્થાનિકોએ જણાવ્યું કે, “અમારા મકાનો કોઈ રીતે નડતરરૂપ ન હોવા છતાં પાલિકાએ તેને તોડી પાડ્યા છે. 15 વર્ષથી અમે અહીં રહીએ છીએ, અમારું ‘સોના જેવું ઘર’ આજે કાટમાળમાં ફેરવાઈ ગયું છે.”
વધારે દુઃખ વ્યક્ત કરતા એક વૃદ્ધાએ જણાવ્યું કે, “અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે, નાના બાળકો અને વૃદ્ધોને લઈને અમે ક્યાં જઈશું? સરકારે અમને રસ્તા પર લાવી દીધા છે. અમારી પાસે રહેવા માટે બીજું કોઈ ઠેકાણું નથી.”
પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં ટી.પી. સ્કીમમાં આવતા અન્ય ગેરકાયદેસર દબાણો અને રોડ રસ્તામાં અવરોધરૂપ બાંધકામો દૂર કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.