ગાય આડી આવી જતા અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ઈકો કાર બેકાબૂ થઈ ડીવાઈડર પર ચઢી ગઈ
અકસ્માતમાં 4ના મોત
પ્રતિનિધિ) નડિયાદ, તા.17
ગઈકાલે મોડી રાત્રે કઠલાલ પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા છે. હાઈવે પર ગાય આડી આવી જતા ઈકો કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર રોડની ડીવાઈડર પર ચઢી ગઈ હતી.
કઠલાલ પાસેથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે. ગતરોજ મોડીરાત્રે અહીંયાથી ઈકો કાર નંબર (GJ 35 N 1079) પસાર થઈ રહી હતી. આ દરમિયાન રોડ વચ્ચે એકાએક ગાય આવી ગઈ હતી. જ્યાં ઈકો કાર ચાલકે કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ કાર હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો લોચો વળી ગયો હતો. તો બીજી તરફ કારમાં સવાર કાર ચાલક સહિત 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આસપાસના લોકો અકસ્માત સમયે દોડી આવ્યા હતા અને 4 લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તો વળી કારમાં સવાર એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ કઠલાલ પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. તપાસ અધિકારી કઠલાલ પીઆઈ એમ.વી.ભગોરાએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત ફરિયાદી સંજય પુજસિહ ઠાકોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ બનાવમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. જેમાં કાર ચાલક સહિત 4નો સમાવેશ થાય છે.
મૃતકોમાં વિનોદભાઈ ગબાભાઈ સોલંકી (ઈકો કાર ચાલક), પુજાભાઈ ઉર્ફે પુજેસિંહ અરજનભાઇ સોલંકી (ઉ.વ. 45), જયભાઇ જશવંતભાઈ ઠાકોર (ઉ.વ.32, રાજેશકુમાર સાલમસિંહ ઠાકોર (સોલંકી) (ઉ.વ.31)(તમામ રહે.બારૈયાના મુવાડા,તાબે.ઓથવાડ, તા.બાલાસિનોર જીલ્લો મહીસાગર) હોવાનું જાણવા મળ્યું છે.