વારસાઈ હોય કે વેચાણ દસ્તાવેજની નોંધ, ત્રણથી ચાર માસ પૂર્વે મંજૂર જ થતી નથી
વડોદરા શહેર જિલ્લાની કોઈપણ મિલકત વેચાણ થયા બાદ માલિકી હકના થતા ફેરફારની નોંધ સિટી સર્વે કચેરીમાં જ પડાવી પડે. તદ્દન સરળ કાયદા હોવા છતાં મેન્ટેનન્સ સર્વેયરો એજન્ટો સાથે મળીને મિલીભગતથી અરજદારોને ખંખેર્યા બાદ જ કામગીરી પૂર્ણ થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે.
વડોદરાના ઉત્તર દક્ષિણ વિસ્તારમાં જનસેવા કેન્દ્ર સિટી સર્વેની કચેરીઓમાં પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવાની કામગીરીમાં કેટલાક અધિકારીઓ સાથે મળેલા દલાલો પોતાનું હક હોય એવી રીતના તૈયાર જ બેઠા હોય છે અને અરજદારોને આવતા જતા જોતા હોય છે. અરજદાર જેવો અધિકારી પાસે પોતાની કામની વિગત લઈને જાય અને કહે ત્યારે અરજદારને પહેલાથી જ ફરજ પરના અધિકારી કર્મચારીઓ એમના કામમાં વાંધા વચકા બતાવી દે અને કહી દે કે આટલા બીજા દસ્તાવેજો લઈને આવજો. જો અરજદાર અધિકારીને કહે કે મારા પાસે આ દસ્તાવેજી પુરાવા નથી આની વ્યવસ્થા કેવી રીતના કરવી? .ક્યારેક કહેવામાં આવે છે કે તમે અરજી કરીને જાવ અમે જોઈશું કે કઈ રીતના થાય છે. ત્યારબાદ અરજીના જવાબમાં લેવડ દેવડ ના થાય તો તેમની અરજી દફતર કરી દેવામાં આવતી હોય છે અને કહેવામાં આવે છે કે હવે આ કામ માટે આ કાગળ જોઈશે જ .
આખરે ના છુટકે અરજદાર ધક્કા ખાતો થઈ જાય ત્યારબાદ તેને ત્યાં હાજર દલાલને પૂછતા જ ગોળ ગોળ વાત કરી ને તે કામ હાથમાં લઈ લે અને તેમાં વિચારી પણ ના શકાય તેવી રકમ પણ પડાવ વાની યોજના બનાવી દેવામાં આવે છે. ત્યારબાદ અધિકારીને ખબર જ હોય છે કે આ કામમાં શું કરવું છે. જ્યારે દલાલ કામ લઈને જાય છે ત્યારે તે જ કામ ફટાફટ અધિકારી કરી દેતા હોય છે. આવી રીતના અરજદારોને ચક્કરમાં ફસાવી વહીવટને ગોઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે .
દક્ષિણની કચેરીમાં પણ આવી જ પ્રકારે અધિકારી કર્મચારીઓ દલાલો ભેગા મળીને અરજદારોને ફસાવી બારોબાર વ્યવહાર કરવાનો ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે. જેના પર કલેકટરે તાત્કાલિક કડક કાર્યવાહી કરીને આની તપાસ કરવી જોઈએ અને પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવાના નામે થતા ધંધાને રોકવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આજના અધ્યતન ડિજિટલ યુગના જમાનામાં વેચાણ દસ્તાવેજની પ્રક્રિયા કોમ્પ્યુટર દ્વારા તુરંત થતી હોય છે. દસ્તાવેજની નોંધણી થઈ ગયા બાદ તે મિલકતને તે વિસ્તારની સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા સિટી સર્વેના જે તે વિભાગને જાણ કરી દેવામાં આવે તો સિટી સર્વેમાં વેચાણ દસ્તાવેજની નોંધ કરવાની પ્રક્રિયા તદ્દન સરળ બની જાય અને લોકોના સમય અને વેડફાતા નાણાંનો બચાવ થાય. આ તો આડકતરી રીતે મહેસુલ વિભાગ જ ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્ટોને આડકતરરૂપ પ્રોત્સાહન આપીને લૂંટફાટ કરાવતા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે
