પર્યાવરણ સંવર્ધન સાથે ડોર ટુ ડોર કચરા વ્યવસ્થાપન માટે 1.12 કરોડનાં કામોનું લોકાર્પણ
થીમ આધારિત 6 નવા ગાર્ડન, 12,600 છોડનું વાવેતર અને 20 ગ્રીન કમાન્ડોને સન્માન અપાયું
વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકસુવિધા અને પર્યાવરણ સંવર્ધન માટે અંદાજે રૂ. 1.12 કરોડના કામોનું લોકાર્પણ તથા દક્ષિણ ઝોનમાં ઘન કચરાનાં ડોર ટુ ડોર કલેકશન અને ટ્રાન્સપોર્ટેશન માટે નવીન વાહનોનું ફલેગ ઓફ ગુરુવારે સવારે કારેલીબાગ ખાતે ઓકિસજન પાર્ક પાસે યોજાયું હતું. ગુજરાત સરકારના દંડક બાળકૃષ્ણ શુકલના વરદહસ્તે અને મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા કુલ 6 થીમ આધારિત બગીચાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમાં ઓકિસજન પાર્ક, ગાર્ડન ફોરેસ્ટ, લિનિયર ફોરેસ્ટ, મિયાવાકી ફોરેસ્ટ તેમજ સયાજીપુરા અને કારેલીબાગ ખાતે વડીલ વિસામા ગાર્ડનનો સમાવેશ થાય છે. “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત શહેરમાં કુલ 12,600 જેટલા છોડનું વાવેતર તેમજ 5 હજાર જેટલા છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું. આજદિન સુધી આ યોજનામાં 62,500થી વધુ છોડનું વિતરણ થયું છે. પર્યાવરણ જાળવવા માટે કાર્યરત 20 ગ્રીન કમાન્ડો, 6 શ્રેષ્ઠ ગાર્ડન માળી અને 8 કર્મચારીઓને સન્માન પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા.
કચરા વ્યવસ્થાપન માટે પાલિકાએ નવા કરાર હેઠળ કુલ 175 વાહનો સેવા માટે મૂક્યા છે, જેમાં 20 જેટલા ઇલેક્ટ્રિક વાહનોનો પણ સમાવેશ થાય છે. આ વાહનો દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત થશે અને કમાન્ડ સેન્ટર દ્વારા રિયલ ટાઇમ મોનિટરીંગ થશે. કચરાને પાંચ વિભાગોમાં ભીનો, સૂકો, સેનેટરી, જોખમકારક ઘરેલું અને ઇ-વેસ્ટમાં વર્ગીકૃત કરવાની નાગરિકોને અપીલ કરવામાં આવી. વધુમાં પાલિકાની વડી કચેરી ખાતે દશેરા પ્રસંગે સિક્યુરીટી શાખા દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન પણ કરવામાં આવ્યું.