ભાજપ નેતા અને એક્સ-આર્મીમેન વિરુદ્ધ કલેક્ટર-કમિશનરને ફરિયાદ; ‘હું નેતા છું, તમારો કેસ નહીં લેવાશે’ તેવી ધમકી!

વડોદરા શહેર નજીક રણોલી ખાતે આવેલી એક ખાનગી કંપનીના કર્મચારી પર એક દિવસનો પગાર જબરજસ્તી કપાવવાની અદાવતમાં જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોમાં ભાજપના એક નેતા અને નિવૃત્ત આર્મીમેનનો સમાવેશ થતો હોવાથી મામલો ગરમાયો છે. ભોગ બનનાર કર્મચારીએ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં ફરિયાદ નોંધાવીને કાર્યવાહી અને સુરક્ષાની માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રણોલી ગામના રહેવાસી પ્રજેશ પટેલ જવાહર નગર પોલીસ મથકની હદમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીના કર્મચારીઓ વચ્ચે એક આંતરિક સમજૂતી છે કે, જો કોઈ કર્મચારીનું અકાળે મૃત્યુ થાય તો તેના પરિવારની સહાય માટે અન્ય કર્મચારીઓ સ્વેચ્છાએ એક દિવસનો પગાર જતો કરી શકે છે. આ માટે કર્મચારીએ પોતે અરજી કરવાની રહે છે.
થોડા દિવસો પહેલા કંપનીના એક કર્મચારીનું અકાળે મૃત્યુ થયું હતું. મૃતક કર્મચારીના પત્ની કે સંતાનો ન હોવાથી, કંપનીના આશરે 200 કર્મચારીઓમાંથી 160 જેટલા કર્મચારીઓએ તેમનું વેતન ન કાપવામાં આવે તેવી અરજી કંપની સત્તાધીશોને કરી હતી. આના કારણે મૃતક કર્મચારીના ભાઈ અને પિતાને વળતર પેટે ઓછી રકમ મળી હતી. આ વાતની અદાવત રાખીને તેઓએ પગાર નહિ કપાવનાર કર્મચારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.
પગાર નહિ આપનાર કર્મચારી પ્રજેશ પટેલ 8 તારીખે જ્યારે કંપનીમાંથી બહાર આવ્યા, ત્યારે તારક મહીડા, નરેન્દ્ર મહીડા, મનીષ રાજપૂત (નિવૃત્ત આર્મીમેન) તેમજ દીપક રબારી સહિતના ટોળાએ તેમને આંતર્યા હતા. પગાર નહિ કપાવવાની અદાવત રાખીને આ ટોળાએ હથિયારો વડે પ્રજેશ પટેલ પર જીવલેણ હુમલો કરીને માર માર્યો હતો. આ મામલો જવાહરનગર પોલીસ મથકે પહોંચ્યો છે.
હુમલો કરનાર પૈકીનો એક આરોપી દીપક રબારી વડોદરા તાલુકા ભાજપમાં મંત્રી તરીકેનો હોદ્દો ધરાવે છે. પીડિત પ્રજેશ પટેલે આક્ષેપ કર્યો છે કે દીપક રબારીએ જાહેરમાં ધમકી આપતા કહ્યું હતું કે, “હું ભાજપનો નેતા છું, તમારો કોઈ કેસ લેવાશે નહિ.” આ ઉપરાંત, નિવૃત્ત આર્મીમેન મનીષ રાજપૂતે પણ ગામ વચ્ચે કર્મચારીને મારીને ફટાકડી ફોડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ભાજપમાં હોવાના હોદ્દાનો દુરૂપયોગ કરીને કર્મચારીઓને ડરાવીને તેમનું વેતન કપાવવા માટે સહી કરવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ ફરિયાદીનું કહેવું છે.
આ ઘટના બાદ કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ટોળકીએ કર્મચારીઓ અને ગામના રહીશોમાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે.
ભાજપના નામે અને એક્સ આર્મીના નામે કર્મચારીઓને ધમકાવીને માર મારતા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગણી સાથે પ્રજેશ પટેલ સહિત અન્ય કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ કમિશ્નર કચેરીએ લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.