Vadodara

કંકાપુરાના દંડપાણેશ્વર તળાવમાં રામકુંડી પર લાલજી ભગવાનનો જળ વિહાર

ભાદરવા સુદ જળઝુલણી એકાદશીના પર્વ ટાણે દર્શનાર્થે ૨૦ ગામનો માનવ મહેરામણ ઉમટ્યો

અતિપ્રાચીન દંડપાણેશ્વર શિવાલય પાસેના તળાવમાં સવા મણનું વજન ધરાવતી પથ્થરમાંથી નિર્મિત રામકુંડીનુ જળ ઝુલણ

(પ્રતિનિધિ) બોરસદ, તા.14

આણંદ જિલ્લાના મહીકાંઠાના ઐતિહાસિક ગામ કંકાપુરામાં ભાદરવા સુદ જળઝુલણી એકાદશીના રોજ પરંપરાગત રીતે ભગવાન ઠાકોરજીને રામકુંડીમાં બિરાજમાન કરીને ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી .

કંકાપુરાના અગ્રણી વિક્રમસિંહ ગરાસિયાએ  જણાવ્યું હતું કે ‘અંદાજે બસ્સો વર્ષ ઉપરાંતના સમયગાળાથી દંડપાણેશ્વર મહાદેવ પાસેના તળાવમાં સવા મણ પથ્થરના વજનની રામકુંડીમાં ભગવાન શ્રી ઠાકોરજીને બિરાજમાન કરીને જળઝુલણ કરાવવામાં આવે છે.આ વર્ષે પણ પરંપરા મુજબ મહંત મહારાજના હસ્તે જળઝુલણ કરાવી એકાદશી ઉજવવામાં આવી હતી.

પ્રચલિત માન્યતા મુજબ ભગવાન શ્રી લાલજીને જળવિહાર કરાવવાથી વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની આફતથી બચી શકાય છે અને ખેતી,ધંધો,રોજગાર અને સુખ-સંપદા યોગ્ય રીતે જળવાઈ રહે છે.’ કંકાપુરામાં દંડપાણેશ્વર તળાવમાં રામકુંડીનું જળઝુલણ થાય તે પૂર્વે કંકાપુરામાં પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ ,જેમાં આજુબાજુના ૨૦ ગામ સહિત તાલુકાના ગ્રામજનો ઉમટી પડ્યા હતા. તેમાંય નમતી બપોર બાદ જળવિહાર સમયે ભગવાનના વધામણાં કરતાં ભાવિકો હર્ષોલ્લાસથી ઝુમી ઉઠ્યા હતા.

રામકુંડીની શોભાયાત્રાનો રજવાડી ઠાઠ

કંકાપુરા ગામે સવામણ પથ્થરની કુંડીને તળાવના પાણીમાં તરતી મુક્તાં પહેલાં દંડપાણેશ્વર મહાદેવ તેમ જ રામજી મંદિરથી રજવાડી ઠાઠ સાથેની શોભાયાત્રા જાહેર માર્ગો ઉપર કાઢવામાં આવે છે.જેમાં મહંત મહારાજ ,સંતો,હરિભક્તો તેમ જ ગ્રામ્ય ભજન મંડળીઓ અને શ્રધ્ધાળુ જનતા દ્વારા ભગવાન રામની સ્મૃતિ અને ભજન કિર્તન કરવામાં આવ્યું હતું. હજારોની જનમેદનીની હાજરીમાં શ્રધ્ધાના પ્રતિકરૂપે કુંડીનું જળઝુલણ કરવામાં આવ્યું હતું

રામકુંડી દક્ષિણ ભારતના પ્રસિદ્ધ રામેશ્વરમાં બનાવાઈ

જળજુલણ એકાદશીના રોજ તરતી મુકાતી કુંડી અંગે શોભાયાત્રામાં જોડાયેલા અગ્રણી મહેશભાઈ પરમારના જણાવ્યાનુસાર સાતસો વર્ષ પહેલા રામસેતુ સાથે સંકળાયેલા રામેશ્વરના પથ્થરમાંથી તત્કાલિન શિલ્પીઓના સહકારથી સવામણ વજનની કુંડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેને શ્રધ્ધારૂપે રામજી મંદિરમાં લાવ્યાં હતાં.જે આજે પણ દર્શનિય છે.

Most Popular

To Top