નવો OLAS1X સ્કૂટર લઈને ફસાયા ગ્રાહક: લાઇનર જામ થવા છતાં કંપની સર્વિસની જવાબદારી લેવા તૈયાર નહીં.
ખરીદી વખતે મોટા દિવાસ્વપ્ન, પછી સર્વિસ માટે ધરમધક્કા
વડોદરા : શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે ઓલા ઇલેક્ટ્રિક ટેકનોલોજી પ્રા.લી. ના દ્વિચક્રી વાહનો ખરીદનાર ગ્રાહકોને સર્વિસ સુવિધાઓના સદંતર અભાવને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપની દ્વારા વાહનો વેચતી વખતે કરાયેલા મોટા મોટા વાયદાઓ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે, અને સર્વિસ ન મળતા અનેક ગ્રાહકોને પોતાના મોંઘાદાટ ઇલેક્ટ્રિક વાહનો ઘરના પાર્કિંગમાં ધૂળ ખાવા મૂકી દેવાનો વારો આવ્યો છે.

શહેરમાં ઓલા ઇલેક્ટ્રિકના શો-રૂમ ભલે આવેલા હોય, પરંતુ વાહન ખરીદ્યા પછીની પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. ગ્રાહકો જ્યારે વાહન ખરીદવા જાય છે ત્યારે ઓલા ઇલેક્ટ્રિક શો-રૂમના કર્મચારીઓ સર્વિસ સહિતની સુવિધાઓના મોટા મોટા દિવાસ્વપ્ન બતાવે છે, પરંતુ એકવાર વાહન વેચાઈ જાય પછી ગ્રાહકોને સર્વિસ કરાવવા માટે નાકે દમ આવી જાય છે.

ગ્રાહકોને સર્વિસ બુકિંગ માટે આપવામાં આવતી ઓનલાઇન સુવિધાઓમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. મોટાભાગના સર્વિસ સેન્ટરો પર ઓનલાઇન સ્લોટ ૧૫ દિવસ સુધી ફૂલ બતાવી રહ્યા છે. બીજી તરફ, શહેરના કેટલાક ઓલા ઇલેક્ટ્રિક શો-રૂમ બંધ જોવા મળી રહ્યા છે, જે ગ્રાહકોની મૂંઝવણમાં વધારો કરે છે. ઓનલાઇન સર્વિસ નોંધણી જ ન થવાને કારણે ગ્રાહકો પોતાનું વાહન રિપેર કરાવી શકતા નથી અને તેને પાર્કિંગમાં મૂકી રાખવા મજબૂર બન્યા છે.
શહેરના દરાપુરા, કાછિયાવાડ ખાતે રહેતા જયેશભાઇ ગાંધીના કિસ્સાએ આ સમગ્ર મામલાને પ્રકાશમાં લાવ્યો છે. જયેશભાઇએ તા. ૨૧-૦૬-૨૦૨૫ના રોજ રથયાત્રાના શુભ દિવસે અટલાદરા, જૂના પાદરા રોડ પરના ઓલા ઇલેક્ટ્રિક શો-રૂમ ખાતેથી OLAS1X 4KWH રેડ વેલોસીટી S1pro ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી કરી હતી. ખરીદી સમયે તેમણે સર્વિસ અંગે પૂછપરછ કરતાં હાજર અધિકારીએ ખાતરી આપી હતી કે, “કોઈ પ્રોબ્લેમ નથી અને કોઈ પણ પ્રશ્ન હોય તો અમે આપની સેવામાં છીએ.”
પરંતુ વાહન ખરીદ્યાના થોડા જ દિવસોમાં જ્યારે જયેશભાઇને પોતાના વાહનની સર્વિસ કરાવવાની જરૂર પડી અને વાહનના લાઇનર જામ થઈ ગયા, ત્યારે તેમનો કડવો અનુભવ શરૂ થયો. છેલ્લા દસ દિવસથી જયેશભાઇ ગાંધી ઓનલાઇન સર્વિસ નોંધણી કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને ક્યાંય પણ સફળતા મળી નથી. શહેરના અલગ અલગ સર્વિસ સ્ટેશન પર નોંધણીનો પ્રયાસ કરતાં દરેક સર્વિસ સ્ટેશન ફુલ બતાવે છે.
ઓનલાઇન સ્લોટ ન મળતા જયેશભાઇ ગાંધી સમન્વય સ્ટેટસ, ભાયલી-અટલાદરા રોડ સ્થિત ઓલા ઇલેક્ટ્રિક શો-રૂમમાં રૂબરૂ ગયા હતા. જોકે, ત્યાં હાજર ફરજ પરના અધિકારીઓએ તેમને ઉડાઉ જવાબ આપ્યો કે, “સેલ્સ અને સર્વિસ વિભાગ અલગ છે.” આમ, તેમને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો. શો-રૂમના કર્મચારીઓ પણ કોઈ ચોક્કસ તારીખ કે સમય આપ્યા વગર માત્ર “આવતા અઠવાડિયે આવો, કરી આપીશું” તેમ કહીને ગ્રાહકની જવાબદારી લેવાથી પીછેહઠ કરી રહ્યા છે.
પરિણામે, વાહનના લાઇનર જામ થઈ જતાં જયેશભાઇ ગાંધીને પોતાનું મોંઘું ઇલેક્ટ્રિક વાહન ઘરે પાર્ક કરી મૂકી દેવાની ફરજ પડી છે. ઓલા કંપનીના સર્વિસના અભાવે છેતરાયાની લાગણી અનુભવી રહેલા જયેશભાઇ ગાંધીએ હવે આખરે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.
ઓલા ઇલેક્ટ્રિક કંપનીની આ ગ્રાહક વિરોધી નીતિને કારણે વડોદરાના અન્ય અનેક ગ્રાહકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જો કંપની તાત્કાલિક ધોરણે સર્વિસ સુવિધાઓમાં સુધારો નહીં કરે તો ગ્રાહકોના આક્રોશનો સામનો કરવો પડી શકે છે.