પીઢિયા અને પાટીયા પડવાથી અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ
પાલિકા આપણા ઐતિહાસિક વારસાની અવગણના કરી રહી છે : હરિઓમ વ્યાસ

( પ્રતિનિધી )વડોદરા,તા.29
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સત્તાધીશોના રાજમાં કોન્ટ્રાક્ટરોને ઘી કેળા થવા માંડયા છે. ત્યારે, શહેરની અમુલ્ય વિરાસતોના ખસ્તા હાલ થઈ રહ્યા છે. શહેરના માંડવીની દુર્દશા બાદ હવે લહેરીપુરા દરવાજામાં સળિયા દેખાવા લાગ્યા છે. લાખોના ખર્ચે બનેલી છત વરસાદ અને વાવાઝોડામાં ધરાશાયી થઈ હતી. ત્યારે, શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે જર્જરિત દરવાજા અંગે વેદના ઠાલવી હતી.

વડોદરા શહેરના માંડવી પાસે આવેલા શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે, વડોદરાની પ્રજાના ટેક્સના પૈસા જેવી રીતે બગાડવાનું કામ પાલિકા કરી રહી છે. વર્ષ 2016- 17 માં જ્યારે ચાર દરવાજા અને માંડવીનું રીસ્ટોરેશન કર્યું. ત્યારે, લહેરીપુરા દરવાજા માટે રૂપિયા 75 લાખ રિસ્ટોરેશન માટે વાપરેલા અને પહેલા વરસાદમાં અને વાવાઝોડામાં આ લહેરીપુરાના દરવાજાની છત ઉડીને નીચે પડી ગઈ હતી. સદનસીબે કોઈને વાગ્યું નહીં અને જાનહાની થઈ નથી. સાત વર્ષથી આ લહેરીપુરા દરવાજાની છત ખુલ્લી છે. વરસાદનું પાણી સીધેસીધું છત ઉપર પડી રહ્યું છે. એના લીધે આ જૂના દરવાજાના પીઢીયા પાટિયા ખવાઈ ગયા છે. પાણી સીધું રોડ ઉપર પડી રહ્યું છે. ગમે ત્યારે ઉપરના પીઢિયા અને પાટીયા પડે અને અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. અમે છેલ્લા દસ વર્ષથી ઐતિહાસિક ઇમારતોના રીસ્ટોરેશન માટે યોગ્ય જાળવણી માટે સતત કહેતા આવ્યા છે અને એ પછી પણ એ લોકોની કામગીરી ના કરી. ત્યારે ખુલ્લા પગે રહી માંડવી નીચે તપ કરવાનું નક્કી કર્યું. આજે તેને 108 મો દિવસ થઈ ગયો છે. ત્યારે આટલા દિવસોમાં મહાનગર પાલિકા તરફથી કોઈપણ જાતની કામગીરી માંડવી માટે કે ચાર દરવાજા માટે કરવામાં આવી નથી. જો અમારી રજૂઆતો પર યોગ્ય ધ્યાન રાખ્યું હોત તો આ ચાર દરવાજા અને માંડવીની હાલત આવી થઈ ના હોત, સમયસર એની માવજત થઈ હોત તો આ રીતે એનો પિલ્લર પણ ના બગડ્યો હોત અને લહેરીપુરા દરવાજાની છતમાંથી નીચે પાણી પડતું ના હોત પણ પાલિકા આપણા ઐતિહાસિક વારસાની અવગણના કરી રહી છે.
