સત્તાધીશો પર નાગરિકોના તીક્ષ્ણ સવાલ: “વિરાસત સાચવવી કે નષ્ટ કરવી?”
સુરતના આર્કિટેક્ટ સુમેશ મોદીનો ચેતવણીભર્યો અભિપ્રાય, આખું સ્ટ્રક્ચર જ રિસ્ટોર કરવું પડશે


વડોદરા: શહેરની ઐતિહાસિક વિરાસત માંડવીના રિસ્ટોરેશનના નામે થયેલી બેદરકારી આખરે બહાર આવી ગઈ છે. અત્યારસુધી લીલા પડદા નીચે ચાલતું કામ આજે સામે આવતા નાગરિકો અચંબે રહી ગયા. પાયાના પત્થરો ખરવા માંડ્યા છે, દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને પૂરા સ્ટ્રક્ચરની હાલત દયનીય બની ગઈ છે.


સુરતના હેરિટેજ આર્કિટેક્ટ સુમેશ મોદીએ સ્થળ પર નિરીક્ષણ બાદ સ્પષ્ટ કહ્યું કે “માંડવીને મોટા ઉંદરોએ કોતરી નાંખી છે, હાલની અવસ્થામાં માત્ર પેચવર્કથી કામ નહીં ચાલે, પણ આખું સ્ટ્રક્ચર જ ફરીથી રિસ્ટોર કરવું પડશે.”
માંડવીના રિસ્ટોરેશનનું કામ 67-સી નિયમ અંતર્ગત સીધું જ હેરિટેજ કોન્ટ્રાકટર સવાણી એસોસિએટસને સોંપાયું હોવાની ગંભીર ચર્ચા ચાલી રહી છે. ટેન્ડરીંગ વિના, ઉચ્ચક સ્તરે કરાર કરીને કામ સોંપાયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 2017માં આ જ એજન્સીએ માંડવી નું રિસ્ટોરેશન કર્યું હતું, પરંતુ તે સમયે પડેલા ગાબડા ના કારણે મૌલિક સ્ટ્રક્ચર સુરક્ષિત રહી શક્યું નહીં. આજે આવેલા દ્રશ્યો એ જ બેદરકારી ખુલ્લી પાડે છે.
પડદા પાછળની હકીકત બહાર લાવવા માટે લાંબા સમયથી સામાજિક કાર્યકર હરિૐ વ્યાસ માંડવીના પ્રશ્નોને ઉઠાવતા રહ્યા છે. આજે પણ તેઓનો તપ અવિરત ચાલુ છે. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે “સત્તાધીશો માંડવીને કેવળ કાગળ પર જ સાચવતા હોય એમ લાગે છે, હકીકતમાં તેને બચાવવા કોઈ વાસ્તવિક ઇચ્છાશક્તિ નથી.”
હવે પ્રશ્ન એ છે કે વડોદરાની ઓળખ ‘માંડવી’ ને સાચવવા માટે વાસ્તવિક રિસ્ટોરેશન થશે કે ફરીથી બિનટેન્ડરી કરારોના ભંવરામાં ફસાશે?