મહંતની તપશ્ચર્યાના 129માં દિવસે પણ માંડવી જર્જરિત, ઈમારતની જાળવણી મુદ્દે તંત્રની ઉદાસીનતા :
આટલો લાંબો સમય વીતી ગયો છતાં પણ શહેરના સત્તાધીશોની ઉદાસીનતા વડોદરા માટે ખૂબ ખરાબ કહેવાય : હરિઓમ વ્યાસ
( પ્રતિનિધી )વડોદરા,તા.20
ઐતિહાસિક ધરોહર માંડવીના વધુ એક વખત પોપડા ખર્યા હતા. પીલ્લરનો એક ભાગ તૂટીને નીચે પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના બનતા શ્રી વિઠ્ઠલ મંદિરના મહંત હરિ ઓમ વ્યાસ માંડવી ગેટ નીચે દોડી આવ્યા હતા અને ઐતિહાસિક ઈમારત પ્રત્યે ઉદાસીનતા દાખવનાર તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા.

ઐતિહાસિક ઈમારત માંડવીની જાળવણી માટે તપાસ કર્યા કરી રહેલા શ્રી વિઠ્ઠલ મંદિરના મહંત હરિ ઓમ વ્યાસે જણાવ્યું હતું કે, છેલ્લા 129 દિવસથી તપ ચાલી રહ્યું છે. ચંપલ વગર રહેવાનું અને રોજ અહીંયા બપોરે 12 થી 4 ભગવાનનું નામ લઉ છું. કેમકે મહાનગરપાલિકાને ઝડપથી હેરિટેજ એક્સપર્ટ મળે અને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન જાળવણી ઝડપથી શરૂ થાય. પરંતુ, આજે 129 માં દિવસે પણ મહાનગર પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.

સતત અમે જણાવીએ છીએ કે, માંડવીના પીલ્લરની હાલત જર્જરિત થતી જાય છે. ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત થશે. તો આજે 129 માં દિવસે જે ભાગ પિલ્લરમાંથી છૂટા પડી ગયા છે. એ બધા હવે ધરાશાયી થવા માંડ્યા છે અને આ ભાગ એટલા મોટા છે કે જો કોઈને વાગે તો જાનહાનિ થઈ શકે તેમ છે. જે ભાગ જર્જરિત છે તેને ઉતારી લેવા માટે પાલિકાને રજૂઆત કરી છે કે જેથી કરીને કોઈ અકસ્માત થાય નહીં પણ પાલિકા સતત આની પાછળ પોતાની ઉદાસીનતા બતાવી રહી છે. એ ફક્ત અને ફક્ત ટેન્ડરિંગ થઈ રહ્યું છે. ઇજારો અપાઈ ગયો છે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એવી વાતો જણાવી રહી છે.

આજથી 100 દિવસ પહેલા જ્યારે મ્યુ.કમિશનર માંડવી નીચે મુલાકાત લેવા માટે આવ્યા તો એમણે કીધું હતું કે ઝડપથી કામ શરૂ થશે. એ સાથે વડોદરાના સાંસદ જ્યારે તપનો મારો 110 મો દિવસ હતો અને અહીંયા ધારાસભ્ય સાથે આવ્યા પુરાતત્વોની ટીમ આવી હતી. જે ટીમે કીધું કે આ માંડવી પિલ્લર જર્જરિત છે. આનું કામ ઝડપથી શરૂ કરાવો. ત્યારે આપણા વડોદરાના સાંસદે મને બાંહેધરી આપી હતી કે આપણા વિસ્તારના રાવપુરાના ધારાસભ્ય ખૂબ જાગૃત છે, તેઓ ઝડપથી કામ શરૂ કરાવશે. તો હું ડોક્ટર સાહેબને કહીશ કે આજે 120 દિવસ ઉપરાંત નો સમય થઈ ગયો છે સાહેબ, ઇમરજન્સી કેસ માટે આટલો સમય ના કરાય. આજે માંડવી પિલ્લરની કામગીરી પણ ઇમર્જન્સી કેસમાં કરવાની છે. એમાં ત્રણ મહિના તમે કાઢી નાખ્યા તો આ તમારી ઉદાસીનતા પણ વડોદરા માટે ખૂબ ખરાબ કહેવાય.

સાંસદે વડોદરા ના પ્રશ્નો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સુધી લઈ જવાના હોય. પરંતુ તમને સતત આટલી બધી રજૂઆત કરીએ છે તો પણ એમાં ઉદાસીનતા રાખી રહ્યા છો. આજે રાત્રે નવ વાગ્યે પીલ્લરનો ઘણો મોટો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. મંગળવારના દિવસે મેલડી માતાના દર્શન કરવા માટે ઘણા બધા દર્શનાાર્થીઓ આવતા હોય છે. પરંતુ સદનસીબે જે બેરીકેડ લગાવેલા છે. એના લીધે કોઈ પબ્લિકની અવરજવર હતી નહીં અને આ ભાગ કેવી રીતે પડ્યો કે કોઈને વાગે નહીં પણ હજી પાલિકાને એ જ અમે કહીએ છીએ કે ઘણો બધો ભાગ પડી જાય એવો છે. જર્જરીત ભાગ તમે ઉતારી લો અને અહીંયા એક વ્યવસ્થિત વ્યવસ્થા કરો કે જેથી કરીને કોઈને જ્યાં સુધી કામ શરૂ ન થાય ત્યાં સુધી કોઈને વાગવાનો જાનહાનિ થવાનો ભય રહે નહીં.