જીમખાનાના બાંધકામના પ્રયાસ સામે નાગરિકોનું કલેક્ટરને આવેદન

વડોદરા શહેરના મધ્યમાં આવેલું ઐતિહાસિક તથા જાહેર ઉપયોગનું પોલો ગ્રાઉન્ડ હાલમાં એક નવા વિવાદના કેન્દ્રમાં છે. માહિતી મુજબ, ધી મહારાજા પ્રતાપસિંહ કોરોનેશન જીમખાના દ્વારા ગ્રાઉન્ડના એક ભાગમાં બાંધકામ કરી ત્યાં કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ ખેલ પ્રેમી નાગરિકો, રમતવીરો અને સામાજિક કાર્યકરોમાં ભારે આક્રોશ જગાવ્યો છે.

આ ખુલ્લું મેદાન ઘણા વર્ષોથી વડોદરા શહેરના વિવિધ જાહેર કાર્યક્રમો, રમત- ગમતની ટુર્નામેન્ટો તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઓળખાય છે. અહીં દર વર્ષે રાવણ દહન, સત્સંગો, કથાઓ, શાળાના કાર્યક્રમો, તથા સરકાર આયોજિત રમતો યોજાય છે. મેદાનની આસપાસ 6-7 શાળાઓ આવેલી છે, જેઓ માટે આ જગ્યા રમત અને કાર્યક્રમો માટે મહત્વપૂર્ણ છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, આ મેદાન ગરીબ અને મધ્યમવર્ગના યુવાનો માટે રમવાના અને શારીરિક વિકાસ માટેનું એકમાત્ર ખુલ્લું સ્થળ છે. જો અહીં બાંધકામ થશે તો આ વર્ગના ખેલાડીઓને પ્રવેશ પણ નહીં મળે. “આ તો એવું નુકસાન છે જેનું મૂલ્ય પૈસાથી નક્કી કરી શકાતું નથી” એવો અભિપ્રાય ખેલપ્રેમીએ વ્યક્ત કર્યો.

પોલો ગ્રાઉન્ડ વડોદરાની ઐતિહાસિક અને હેરિટેજ ધરોહર નો ભાગ છે. નાગરિકો માને છે કે આવી જગ્યા માત્ર શહેરની ઓળખ નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે વારસો છે. બાંધકામથી આ ધરોહર નો નાશ થશે અને સાથે રમતગમતની સંભાવનાઓ પર પાણી ફરી વળશે.
જાગૃત નાગરિકો અને ખેલવિભાગના પ્રતિનિધિઓ જલદી જિલ્લામાં કલેક્ટરને આવેદન આપશે. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જો ગેરકાયદેસર બાંધકામ અથવા દબાણ કરવામાં આવશે તો શહેરની જનતા આના વિરોધમાં મેદાનમાં ઉતરશે.
ખેલપ્રેમીઓએ આગ્રહ કર્યો કે, “જાહેર પ્રોપર્ટી પર કોઈપણ જાતનો કબજો કે કોમર્શિયલ બાંધકામ તરત અટકાવવો જોઈએ અને મેદાનને જાહેર ઉપયોગ માટે જ સદાય ખુલ્લું રાખવું જોઈએ.”