યાત્રાધામ પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા આયોજન
હાલોલ |
યાત્રાધામ પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા આયોજિત ઐતિહાસિક પાવાગઢ ડુંગર પરિક્રમા યાત્રાનો આજે વહેલી સવારથી શુભ આરંભ કરવામાં આવ્યો હતો. પાવાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમા તરીકે ઓળખાતી આ પદયાત્રાની આ દસમી ઐતિહાસિક પરિક્રમા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાગઢ તળેટીમાં બિરાજમાન શ્રી વાઘેશ્વરી માતાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજા-અર્ચના કર્યા બાદ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પરિક્રમા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ 44 કિલોમીટર લાંબી પાવાગઢ પરિક્રમા યાત્રામાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, મયૂરધ્વજસિંહ પરમાર, પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ, પાવાગઢ ગામના સરપંચ, શ્રી કાલી યુવક મંડળ, ઓમ કાલી ઓફિશિયલ ગ્રુપ તેમજ પાવાગઢના વેપારી આલમ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પૂ .નારાયણ બાપુના પ્રપૌત્ર લાલાભાઈ રાજગોર સહિત હાલોલ, પાવાગઢ તેમજ સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આ પરિક્રમામાં જોડાયા હતા.

પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. રસ્તામાં વિવિધ સ્થળોએ વિરામ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા, જ્યાં ઉષા બ્રેકો લિમિટેડ, પાવાગઢ પોલીસ અને વન વિભાગ દ્વારા ચા-નાસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

બપોરના સમયે કોટ કાલી માતાજીના મંદિરે શ્રી કાલી યુવક મંડળ તથા પાવાગઢ વેપારી એસોસિએશન દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ યાત્રા ફરી આગળ ધપાવવામાં આવી હતી.
પરિક્રમા યાત્રાનું રાત્રિ રોકાણ શ્રી નારાયણ ધામ, તાજપુરા ખાતે રાખવામાં આવ્યું છે. જ્યારે તા.20 ડિસેમ્બરના રોજ ઢાબાડુંગરી માર્ગે ડુંગર ઉપર બિરાજમાન જગતજનની શ્રી મહાકાલી માતાજીના દર્શન કરી આ ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રા પૂર્ણ કરવામાં આવશે.
અહેવાલ: યોગેશ ચૌહાણ