એ.સી. ફિટીંગ કરવા આવેલ કારીગરે બોક્સ ખુલ્લું મૂકી જવાની વાત કરતાં મામલો બિચક્યો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા.01
શહેરના ન્યૂ સમા રોડ ખાતે નવું એ.સી. ફિટીંગ કરવા આવેલ કારીગર બોક્સ ખુલ્લું મૂકી અધૂરી કામગીરી કરી પોતાને બીજા કામો બાકી હોય જવાની વાત કરતાં મકાન માલિકના પુત્રે કંપનીમાં કંપ્લેઇન કરવાની વાત કરી હતી જેથી કારીગરે અપશબ્દો બોલી ઝપાઝપી કરતાં યુવકને માથામાં ઇજાઓ પહોંચી હતી ઘટનાને પગલે આસપાસના લોકોએ આવીને એ.સી.ફિટ કરવા આવેલ અને યુવક પર હૂમલો કરનારને ઝડપી પાડી ફતેગંજ પોલીસને હવાલે કર્યો હતો સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ન્યૂ સમા રોડ આવેલા સૂર્યપાર્ક સોસાયટીમાં મકાન નંબર ડી-03મા રોનક અશોકભાઇ કાપડિયા પોતાના માતા પિતા સાથે રહે છે અને ન્યૂ સમા રોડ ખાતે સિવિલ એન્જિનિયર તરીકે એક કંપનીમાં ફરજ બજાવે છે.રોનકભાઇએ ગત તા. 27 ફેબ્રુઆરીના રોજ ઘર માટે એ.સી.ખરીધ્યુ હતું આ એ.સી ફિટીંગ કરવા માટે કંપનીમાં થી ગત તા 28 ફેબ્રુઆરીના રોજ ફોન આવ્યો હતો જેથી રોનકભાઇ ઘરે આવ્યા હતા જ્યાં એક વ્યક્તિ એક્ટિવા પર એ.સી.ફિટીંગ માટે એજાજ અહેમદ રાઠોડને લઈ મૂકી ગયો હતો.આ દરમિયાન એજાજ અહેમદ રાઠોડ એ.સી.નુ બોક્સ ખોલી ફિટીંગ કરતો હતો તે દરમિયાન રોનકભાઇને ફોન આવતા તેઓ ફોન કરતાં હતાં તે દરમિયાન એજાજ અહેમદે “મારે ઘણાં એ.સી.ફીટ કરવાના હોય છે”તેમ કહી બોક્સ ખુલ્લું મૂકી જવાની વાત કરતાં રોનકભાઇએ એજાજને બોક્સ બંધ કરી જવાનું કહ્યું હતું અને રિલાયન્સ કંપનીમાં કમ્પલેઇન કરવાની વાત કરતાં એજાજ અહેમદે રોનકભાઇને અપશબ્દો બોલી ઝપાઝપી કરીને ધક્કો મારતાં રોનકભાઇને હિચકાનો લોખંડનો સળિયો માથામાં વાગ્યો હતો તથા છૂટ્ટા હાથની મારામારી કરી “તમારા જેવા ગ્રાહકોને કારણે મને નુકસાન થાય છે આજે તો તને જાનથી પતાવી દ ઇશ” તેમ કહી તૂટી પડ્યો હતો આ દરમિયાન રોનકભાઇના માતા એ આવી બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રોનકભાઇને બચાવી લીધો હતો આ દરમિયાન એજાજ ભાગવા જતાં લોકોએ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસે એજાજ અહેમદ ને ઝડપી પાડ્યો હતો અને ઇજાગ્રસ્ત રોનકને સમા વિસ્તારમાં આવેલી ગોપીનાથજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.