88 વાહનો ડીટેઈન, ₹2.43 લાખનો દંડ વસૂલાયો

વડોદરા :
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના વડોદરા વિભાગ દ્વારા આરટીઓ (RTO) અને પોલીસના સહયોગથી છેલ્લા એક મહિનામાં સઘન સંયુક્ત ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 88 વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા તેમજ 266 વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. સમગ્ર ડ્રાઈવ દરમિયાન કુલ રૂ. 2,43,500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ડિસેમ્બર માસમાં સંયુક્ત ‘સી.ઓ. ચેકીંગ ડ્રાઈવ’નું આયોજન
વડોદરા એસ.ટી. વિભાગની શાખા, વડોદરા આરટીઓ તથા પોલીસ દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં સંયુક્ત રીતે ‘સી.ઓ. ચેકીંગ ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વડોદરા તથા છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સ્થળોએ વાહનચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પરમીટ ભંગ અને નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી
પરમીટ ભંગ કરીને પેસેન્જરોનું ગેરકાયદેસર વહન કરનારા તેમજ અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 55 વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, 154 વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા અને નિયમોના ભંગ બદલ રૂ. 1.87 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
નો-પાર્કિંગ ઝોનમાં કડક કાર્યવાહી
એસ.ટી. ડેપોની આસપાસના વિસ્તારોમાં ‘નો-પાર્કિંગ ઝોન’માં ગેરરીતે વાહનો પાર્ક કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં 33 વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા તથા 112 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યો હતો.નો-પાર્કિંગ ઝોનના ભંગ બદલ કુલ રૂ. 65,500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આગામી સમયમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે
એસ.ટી. તંત્ર દ્વારા પેસેન્જર સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોના કડક અમલ માટે આવી ચેકીંગ ડ્રાઈવ્સ આગામી સમયમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.