*એક્સરે માટેની પ્લેટો ઓછી હોવાથી દર્દીઓને રાહ જોવાનો વારો આવ્યો*
(પ્રતિનિધિ) વડોદરા તા. 18
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે મંગળવારે એક્સરે વિભાગ ખાતે દર્દીઓને એક્સરે કઢાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો.અહી એક્સરે માટેની જરૂરી પ્લેટોની અછતને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી.

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ. જ્યાં વડોદરા શહેર, જિલ્લા ઉપરાંત ગુજરાતના કેટલાય વિસ્તારો તદ્પરાંત રાજ્ય બહારના અન્ય રાજ્યો જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી જરુરિયાતમંદ દર્દીઓ અહીં સારવાર માટે દરરોજના હજારોની સંખ્યામાં આવતા હોય છે. અહીં રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલમાં સુવિધાઓ માટે જરૂરી રકમની ફાળવણી કરવામાં આવે છે. દર વર્ષે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અહીં દર્દીઓની સુવિધાઓ માટે કરોડો રૂપિયાના સાધન સામગ્રીની સવલતો આપવામાં આવે છે પરંતુ હોસ્પિટલ ના સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા ને કારણે સરવાળે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે.
મધ્ય ગુજરાતની આ સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. જેમાં હોસ્પિટલમાં સ્વચ્છતાની બાબત હોય કે પછી સુરક્ષા અને સુવિધાઓની બાબત હોય અવારનવાર નવા વિવાદોથી હોસ્પિટલની છાપ ખરડાઇ રહી છે ત્યારે મંગળવારે એસ.એસ.જી. હોસ્પિટલમાં દર્દીઓની એક્સરે વિભાગની બહાર એક્સરે માટેની લાંબી કતારો જોવા મળી હતી. અહીં હોસ્પિટલમાં અકસ્માતના, પડી જવાના તથા અન્ય મારને કારણે શારિરીક ઇજાઓના દર્દીઓ આવતા હોય છે જેમાં તેઓના શરીરના એક્સરે ની જરૂર પડતી હોય છે. અહીં જરુરિયાતમંદ દર્દીઓ તથા ઇમરજન્સી કેસોમાં દર્દીઓને નજીવી કિંમતે એક્સરે વિભાગ ખાતે એક્સરે કાઢી આપવામાં આવે છે.અહી મંગળવારે સવારે 11વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી એક્સ રે વિભાગ બહાર દર્દીઓની એક્સ રે કઢાવવા માટેની લાંબી કતારો જોવા મળી હતી. એક તરફ દર્દીઓ દર્દથી કણસતા હોય છે અને બીજી તરફ દર્દીઓને હોસ્પિટલ પ્રશાસનની લાપરવાહી ને કારણે લાંબી કતારોમાં રાહ જોવાનો વારો આવે છે. અહીં એક્સ રે વિભાગમાં તપાસ કરતા એક્સ રે માટે વપરાતી પ્લેટોની અછતના કારણે તથા અન્ય એક્સ રે સૂકવવા (કોરાં) થવા મૂકેલા હોવાથી દર્દીઓને લાંબી કતારોમાં રાહ જોવાનો વારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે,એસ.એસ.જી. હોસ્પિટલમાં સરકાર દ્વારા તમામ સહાય આપવામાં આવે છે છતાં ઘણી વખત સ્વચ્છતા બાબતે ગંભીર ફરિયાદો ઉઠતી હોય છે જેમાં ખાસ કરીને દર્દીઓને પીવાના પાણી, સંડાસ બાથરૂમ તથા વોર્ડની ગંદકી ની સમસ્યાઓનો મુદો હોય છે તો હોસ્પિટલમાં થોડોક સમય પહેલાં પૂર્વ નગરસેવક ના પુત્રની હત્યા કે મારામારી, દર્દીઓનના જમવાનું કૂતરાઓ ખેંચી જતા હોવાનું બહાર આવ્યું હતું તે જ રીતે અન્ય અસુવિધા બાબતે હોસ્પિટલ હંમેશાં વિવાદોની ચર્ચામાં રહેતી હોય છે.
