Vadodara

એસ.એસ.જી.હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી પિડીત ગોધરાની ચાર વર્ષીય બાળકીનું મોત થતાં તંત્ર દોડતું થયું

*



(પ્રતિનિધિ) વડોદરા તા. 17


હાલ ચોમાસામાં ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા રોગચાળો વકર્યો છે. ચોમાસામાં 14 વર્ષ સુધીના બાળકોમાં આ રોગ ફેલાઇ રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ શહેરની એસ.એસ.જી.હોસ્પિટલમાં બે દિવસ અગાઉ ખસેડવામાં આવેલી ગોધરા તાલુકાના કોટડા ગામની ચાર વર્ષીય બાળકી કે જેને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ સાથે ખેંચ આવતા પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ એટલે કે વાયરલ એનકેફેલાઇટિસના હોવાથી એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી દરમિયાન મંગળવારે મોડી રાત્રે બાળકીનું મોત નિપજ્યું હતું જેના કારણે પરિજનોમા શોકની લાગણી વ્યાપી ગઇ હતી જ્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની જાણથી સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે. બાળકીના મૃત્યુ બાદ બાળકીના લોહી અને કરોડરજ્જુમાંથી સેમ્પલ લ ઇ તપાસ માટે પુના ખાતેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ આ કયો વાયરસ છે તેની પુષ્ટિ થઇ શકશે.. હાલમાં એસ.એસ.જી હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગમાં શંકાસ્પદ ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા ત્રણ બાળકો સારવાર હેઠળ હોવાનું હોસ્પિટલના આર.એમ.ઓ.દેવેશ હેલૈયા દ્વારા જણાવવામાં આવ્યું છે.એસ.એસ.જી.હોસ્પિટલ તંત્રના પિડિયાટ્રિક વિભાગમાં તમામ તૈયારીઓ છે સાથે જ આ મામલે એક નોડલ ઓફિસરની પણ નિમણૂંક કરવામાં આવી હોવાનું આર.એમ.ઓ.દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા જે મુજબ સૂચના આપવામાં આવે તે પ્રમાણે લોકોએ પોતાના બાળકો માટે કાળજી રાખવા જણાવ્યું હતું. અહીં પિડિયાટ્રિક વિભાગમાં પણ પંચમહાલ જિલ્લાના ત્રણ શંકાસ્પદ બાળદર્દીઓ છે જો કે કોઇ પોઝિટિવ કેસની પુષ્ટિ હજી સુધી થઇ નથી તેમ તેમણે જણાવ્યું હતું.

*રોગના લક્ષણો*

આ રોગ મુખ્યત્વે સેન્ડ ફ્લાયથી થાય છે. સેન્ડ ફ્લાય કાચા તથા માટીના મકાનોની કાચી પાકી દિવાલો ઉપર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઇંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઇઅળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે જે સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની અને નરી આંખે જોઇ શકાય તેવી હોય છે. ઘરની દિવાલોની તિરાડો, દિવાલમાં રહેલા નાના નાના છીદ્રોમા રહે છે. બાળકોમાં સખત તાવ, માથું દુખવું, વોમિટીંગ, ડાયેરિયા, અનિદ્રા, ખેંચ આવવી જેવા લક્ષણો સાથે જ ચામડી પર ચાઠાં પડી જવા જેવા લક્ષણો 14 વર્ષ સુધીના બાળકોમાં દેખાય છે.


હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાયેલી છે, પૂરતો સ્ટાફ છે.

મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલમાં તમારા પ્રકારના રોગો માટે હોસ્પિટલ સુસજ્જ હોય છે. હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગમાં શંકાસ્પદ ત્રણ બાળ દર્દીઓ છે જે પંચમહાલ જિલ્લાના છે. નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે પરંતુ તેમના નામ વિશે હજી મને સ્પષ્ટ માહિતી નથી. ત્રણ બાળ દર્દીઓમાં લક્ષણો શંકાસ્પદ છે પોઝિટિવ કોઇ કેસ હજી સુધી કન્ફર્મ નથી. ગોધરા તાલુકાની જે બાળકીનું મૃત્યુ થયું છે તેના સેમ્પલ પુના મોકલાયા છે રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ વાયરસ અંગેની પુષ્ટિ થઇ શકશે. હોસ્પિટલમાં સ્ટાફ પણ પૂરતો છે અને તૈયારીઓ પણ છે. જો કે હજી સુધી આ વાયરસની રસી નથી.
-ડો.દેવેશ હેલૈયા-આર.એમ.ઓ.,એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા

વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઇને વડોદરા જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી હતી અને સમગ્ર બાબતે સમીક્ષા કરી છે. આ બેઠકમાં આરોગ્ય અધિકારીઓ સાથે બેઠકમાં સમીક્ષા કરાઇ હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા 90 બેડ વેન્ટિલેટર સાથે સજ્જ કરાયા છે. દવાનો પણ પૂરતો જથ્થો હોવાનું આરોગ્ય અધિકારીઓ દ્વારા જણાવાયું છે. કલેક્ટરે જરૂર પડે ખાનગી હોસ્પિટલની અને તબીબોની મદદ પણ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.પિડિયાટ્રિક વિભાગમાં બેડ અને વેન્ટિલેટર વધારવાની સૂચના આપવામાં આવી છે. શહેરની મોટી ખાનગી હોસ્પિટલોને પણ તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ અન્ય હોસ્પિટલમાં ઇમરજન્સી સુવિધા વધારવા આદેશ આપવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ની તૈયારીઓ પણ ચકાસવામાં આવી છે.

*ગોત્રી જી.એમ. ઇ .આર.એસ. હોસ્પિટલમાં બાળ દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરવામાં આવશે. બાળરોગ નિષ્ણાતો સાથે ચર્ચા કરીને ચાંદીપુરાના. બાળ દર્દીઓ માટે વેન્ટિલેટર સાથે અલાયદો વોર્ડ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.
-ડો.અનુપ ચંદાની-અધિક્ષક, ગોત્રી

Most Popular

To Top