હાલમાં મધ્ય પ્રદેશના બે બાળ દર્દીઓ પી આઇ સી યુ માં સારવાર હેઠળ દાખલ
અત્યાર સુધીમાં કુલ 26 બાળદર્દીઓમાથી 17 બાળકોના મોત નિપજ્યા,7 ડિસ્ચાર્જ આપવામાં આવ્યા જ્યારે 25 બાળકોના રિપોર્ટ નેગેટિવ
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
શહેરના એસ.એસ.જી. હોસ્પિટલમાં હાલમાં મધ્ય પ્રદેશના બે બાળદર્દીઓ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી એક વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલમાં બંને બાળકોને પી આઈ સી યુ વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે.
ચોમાસાની શરૂઆત સાથે રાજ્યના પંચમહાલ, દાહોદ છોટાઉદેપુર, વડોદરા જિલ્લાના અંતરિયાળ અને શહેરી વિસ્તારોમાંથી શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો ધરાવતા બાળદર્દીઓ જોવા મળતા તંત્ર દોડતું થયું હતું. મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલમાં તા.16-06-2025 બાદ થી અત્યાર સુધીમાં શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો ધરાવતા કુલ 26 બાળદર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 17 બાળદર્દીઓના મોત નિપજ્યાં હતાં અને 7 બાળદર્દીઓને સારવાર બાદ સાજા થઈ જતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 25 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે ગત સપ્તાહે મધ્ય પ્રદેશના બે બાળદર્દીઓ જેમાં એક આઠ માસનું બાળક છે જ્યારે એક એક વર્ષની ઉંમરના બાળકોને શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓના રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાં એક વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં બંને બાળકોને પી આઈ સી યુ વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં કાચા અને માટીવાળા મકાનો માં શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના કે જે સેન્ડ ફ્લાય થકી થતાં હોય છે તેવા લક્ષણો ધરાવતા બાળકોના મોત નિપજ્યા છે અત્યાર સુધીમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર,મધ્ય પ્રદેશ, વડોદરાના મકરપુરા તથા પાદરા અને કરજણણમાથી આવા લક્ષણો સાથે બાળદર્દીઓને સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે.