Vadodara

એસ.એસ.જી.માં ‘ડોક્ટરો’ જ અસુરક્ષિત! હોસ્ટેલ પાસે ગટર ઉભરાતા મેડિકલ વિધાર્થિનીએ સાંસદને રસ્તામાં રોક્યા

ગંદકી અને દુર્ગંધથી ત્રસ્ત ભાવિ તબીબોની વેદના સાંભળી સાંસદ હેમાંગ જોશી લાલઘૂમ, PIU વિભાગના અધિકારીઓને સ્થળ પર ખખડાવ્યા

વડોદરા: વડોદરાની સયાજી હોસ્પિટલ માં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. હોસ્પિટલ પરિસરમાં આવેલી મેડિકલ હોસ્ટેલ પાસે લાંબા સમયથી ઉભરાતી ગટરની સમસ્યાને પગલે, હોસ્પિટલની મુલાકાતે આવેલા વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીને એક મેડિકલ સ્ટુડન્ટે રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે સાંસદે જવાબદાર વિભાગને સ્થળ પર જ ખખડાવ્યા હતા.

મળતી માહિતી મુજબ, SSG હોસ્પિટલના મેડિકલ હોસ્ટેલની બહાર ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. આ દૂષિત પાણીને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જે વિદ્યાર્થીઓ પોતે ભવિષ્યના ડોક્ટરો બનવાના છે, તેઓ જ હાલ રોગચાળાના ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિકો અને વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં પીઆઈયુ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી જ્યારે હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા ત્યારે એક જાગૃત મેડિકલ વિધાર્થિનીએ હિંમત દાખવી તેમને અટકાવ્યા હતા અને ઉભરાતી ગટરની નરકાગાર જેવી સ્થિતિ બતાવી હતી. ફરિયાદ સાંભળી સાંસદે તાત્કાલિક અસરથી પીઆઈયુ વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે કઠોર શબ્દોમાં સૂચના આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં સહન કરવામાં આવશે નહીં અને વહેલી તકે આ ગટરની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે.

એસએસજી હોસ્પિટલમાં અવારનવાર સમારકામ અને સ્વચ્છતા મુદ્દે લાલિયાવાડી જોવા મળતી હોય છે. કરોડો રૂપિયાના બજેટ છતાં સામાન્ય ગટર લાઈન રિપેર ન થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. હવે સાંસદની દરમિયાનગીરી બાદ આ સમસ્યા હલ થાય છે કે કેમ, તેના પર સૌની મીટ મંડાયેલી છે.
:- સિસ્ટમ સામે સવાલ: ‘ભાવિ તબીબો જ બીમાર પડશે તો દર્દીઓને કોણ બચાવશે?’…
​એસ.એસ.જી. હોસ્પિટલના કેમ્પસમાં ગટરના ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર બનેલી એક મેડિકલ સ્ટુડન્ટે સાંસદ સમક્ષ કરેલી રજૂઆતે તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. એક તરફ હોસ્પિટલને હાઈટેક બનાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ જેઓ રાત-દિવસ દર્દીઓની સેવા કરે છે તેવા મેડિકલ વિદ્યાર્થીઓને ગંદકી અને મચ્છરોના ઉપદ્રવમાં રહેવું પડે તે કેટલી હદે યોગ્ય? હિંમતભરી રજૂઆતે સાબિત કરી દીધું છે કે હોસ્પિટલના વહીવટી તંત્ર અને પી.આઈ.યુ. વિભાગ વચ્ચેના સંકલનનો અભાવ હવે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ બનીને ઉભર્યો છે.

Most Popular

To Top