સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કલાઈમેટ વિક ન્યુયોર્ક કાર્યક્રમના ભાગ રૂપે ગ્રીન મેન્ટર્સ દ્વારા એવોર્ડ એનાયત કરાશે
(પ્રતિનિધિ) આણંદ તા.12
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની આંતરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સીટી એવોર્ડ 2024 માટે પસંદગી કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કલાઈમેટ વિક ન્યુયોર્ક કાર્યક્રમના ભાગ રૂપે ગ્રીન મેન્ટર્સ દ્વારા સપ્ટેમ્બર માસમાં યોજવામાં આવનાર ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સંયુક્ત રાષ્ટ્રના ECOSOC સાથે કન્સલટેટીવ સ્ટેટસ ધરાવતી ગ્રીન મેન્ટર્સ સંસ્થા દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીની ટકાઉ વિકાસ અંતર્ગત કામગીરીની સ્ક્રૂટિની કરવામાં આવેલ હતી. જેમાં રીસર્ચમાં પબ્લિકેશન, ગાઇડન્સ, પ્રોજેક્ટ, કોંફરસમાં ભાગીદારી વગેરે, તેમજ શિક્ષણમાં નવીનતા, એકટેન્શન, કૉમ્યુનિટી માટેના કાર્યક્રમો વગેરેનો સમાવેશ થાય છે.
આ અંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટીએ તેના સ્થાપકોએ શરૂ કરેલા ટકાઉ વિકાસની દિશામાં સતત કાર્યરત છે અને નવાં સોપાનો સર કરી દિશા સૂચક કાર્ય કરવા કટિબદ્ધ છે તે ગૌરવની બાબત છે. સરદાર પટેલ યુનિવર્સીટી દેશની તેમજ વિશ્વની શિક્ષણ સંસ્થાઓને ટકાઉ વિકાસમાં નેતૃત્ત્વ પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે.
આ ઈવેન્ટ સમિટ ઓફ ધ ફ્યુચર સાથે જોડાયેલી છે અને યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની ભાગીદારીમાં આયોજિત ક્લાઈમેટ વીક એનવાયસીની સત્તાવાર ઈવેન્ટ છે. આ કોન્ફરન્સ 23-24 સપ્ટેમ્બર, 2024ના રોજ ન્યૂયોર્કમાં કોર્નેલ યુનિવર્સિટીની આઇ એલ આર સ્કૂલ ખાતે યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીન મેન્ટર્સ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતમાં નોંધાયેલ ટકાઉ શિક્ષણ માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.