પોલીસ-આરટીઓના સહયોગથી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા કુલ 16 વાહનો ડીટેન :
48 વાહનચાલકોને મેમો આપી રૂ. 45,500નો દંડ વસુલ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરા એસટી વિભાગે છેલ્લા અઠવાડિયામાં આરટીઓ અને પોલીસના સહયોગથી શહેર તથા જિલ્લામાં બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. સી.ઓ.ક્લેન્ડેસ્ટાઈન ઓપરેશન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી ડિટેઈન કરવા સાથે મેમો આપી દંડ ફટકાર્યો હતો.
એસટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી સી.ઓ.ક્લેન્ડેસ્ટાઈન ઓપરેશન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન નિયમોનો ભંગ કરતા કુલ 16 વાહનો ડીટેન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 48 વાહનચાલકોને મેમો ફટકારી રૂ. 45,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. વડોદરા એસ.ટી. વિભાગની સુરક્ષા શાખા વડોદરા આરટીઓ અને પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરમીટ વિના મુસાફરોનું પરિવહન કરતા તેમજ અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા 14 વાહનોને ડીટેઈન કરી 27 વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. જેમાંથી રૂ. 37,500નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત એસ.ટી. ડેપો આસપાસ નો-પાર્કિંગ ઝોનમાં વાહનો ઊભા રાખનાર સામે કાર્યવાહી કરી 2 વાહનો ડીટેઈન કરાયા હતા અને 21 વાહનચાલકોને આરટીઓ તથા પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યા હતા. નો-પાર્કિંગ ઝોનના ભંગ બદલ રૂ. 8,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો અને ટ્રાફિક નિયમોના ભંગ કરતા ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.