સિંગવડથી દાહોદ જવા માટે ઉપલબ્ધ એકમાત્ર બસમાં બેસવા માટે અપંગ પોતાના ગામથી ₹૨૦૦ ભાડું આપી રીક્ષા કરીને બસ સ્ટેન્ડ પર પહોંચ્યો હતો.
સિંગવડ:
દાહોદથી સિંગવડ આવતી સવારે ૧૦ વાગ્યાની બસના ડ્રાઇવર દ્વારા એક અપંગ મુસાફરને બસમાં બેસાડ્યા વગર જ બસ લઈ જતા ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ચુંદડી ગામના આ અપંગ મુસાફરે ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે જવાનું હોવાથી સિંગવડથી દાહોદ જવા માટે ઉપલબ્ધ એકમાત્ર બસમાં બેસવા માટે પોતાના ગામથી ₹૨૦૦ ભાડું આપી રીક્ષા કરીને બસ સ્ટેન્ડ પર પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ બસ સમયસર આવતાં જ મુસાફર બસમાં બેસવા આગળ વધ્યો હતો, પરંતુ તે દરમિયાન ડ્રાઇવરે કોઈ રાહ જો્યા વગર બસ ચાલુ કરી દીધી હતી. બસને રોકવા માટે ત્યાં હાજર લોકોએ તેમજ અપંગ મુસાફરે પણ બસને હાથ મારી રોકવાનો પ્રયાસ કર્યો હતો, છતાં ડ્રાઇવરે બસ ઉભી રાખી નહીં અને મનસ્વી રીતે બસ લઈને ચાલ્યો ગયો હતો.
સ્થાનિક લોકોએ ડ્રાઇવરને સમજાવવાનો પ્રયાસ કરતાં પણ તેણે “તારે શું કામ છે?” જેવી ઉદ્દત ભાષા વાપરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિણામે અપંગ મુસાફરને બસ વગર પરત ફરવાની ફરજ પડી અને ₹૨૦૦ ખર્ચ્યા છતાં તેને ભારે તકલીફ સહન કરવી પડી.
આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અપંગ અને જરૂરિયાતમંદ મુસાફરો સાથે આવું અમાનવીય વર્તન કરનારા એસટી બસના ડ્રાઇવર સામે તંત્ર દ્વારા કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર: કલ્પેશ શાહ