રક્ષાબંધન-જન્માષ્ટમી માટે એસટી વિભાગનું વિશેષ આયોજન
વધારાની 50 બસો માટે 105 કર્મચારીઓનો એક્સ્ટ્રા સ્ટાફ જોડાયો,તહેવારોમાં સ્પેશિયલ રૂટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું


( પ્રતિનિધી )વડોદરા,તા.7
આગામી રક્ષાબંધનના પર્વને લઈ લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. ત્યારે એસટી ડેપો ખાતે પણ મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે હેતુસર પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વધુ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે વધારાની 50 બસો દોડાવવામાં આવી રહી છે. તેના માટે 105 કર્મીઓનો એક્સ્ટ્રા સ્ટાફ પણ જોડવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વ દરમિયાન મુસાફરોની વધતી માનગને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કર્યું છે. આ વર્ષે નિગમ તરફથી 6,500 વધારાની બસ ટ્રિપો યોજાશે. જે તહેવારો દરમિયાન મુસાફરોને સમસ્યા ન થાય અને મુસાફરીને વધુ સરળ બનાવવા માટે બનાવાયેલો નિર્ણય છે. ગયા વર્ષ રક્ષાબંધન અને જન્માષ્ટમીના સમયે જીએસઆરટીસી દ્વારા 6,000 એક્સ્ટ્રા બસ ટ્રિપો ચલાવવામાં આવી હતી. જેમાં અંદાજે 3.15 લાખથી વધુ મુસાફરોને લાભ મળ્યો હતો. આ વર્ષે તે સંખ્યા વધારીને 6,500 કરવામાં આવી છે. જેથી વધુ લોકો ઓછા સમયમાં અને આરામદાયક રીતે પહોંચી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રક્ષાબંધનના પર્વ પર રાજ્યના ગ્રામ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના વિસ્તારો ઉપરાંત અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ બસોની વધારાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જન્માષ્ટમી નિમિત્તે યાત્રાધામો જેવા કે ડાકોર, દ્વારકા, શામળાજી અને અન્ય ધાર્મિક સ્થળો સુધી વિશેષ બસ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવાઓ યાત્રાળુઓ માટે વધુ સુવિધાજનક અને સલામત યાત્રાનો અનુભવ આપશે. જીએસઆરટીસી એ મુસાફરોને તેમની મુસાફરી સરળ, સુવિધાજનક બનાવવા માટે તહેવારો દરમિયાન ખાસ ધ્યાન રાખીને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વડોદરા એસટી વિભાગના અધિકારી જનક ભટ્ટે જણાવ્યું હતું કે, રોજની 50 બસોનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલું છે. ચાર દિવસ સુધી બસો આ એક્સ્ટ્રા બસો દોડશે દરરોજ 30,000 થી વધુ મુસાફરોનું એક્સ્ટ્રા સંચાલનમાં લેવામાં આવશે અને એની સાથે જે દરરોજના મુસાફરો આવી રહ્યા છે એ તો ખરા જ, 100 જેટલા ડ્રાઇવર અને કંડકટર છે, પાંચ સુપરવાઇઝર છે. મુસાફરોને કોઈ અગવડતા ના પડે તે માટે ખાસ આયોજન કર્યું છે. પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, લીમખેડા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર તરફના ફેરાનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેગ્યુલર બસો દોડી રહી છે. એ સિવાય આજે વધારાની દોડી રહી છે, તેમાં કુલ મળીને દરરોજનું એક થી સવા લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.
