ઉઘાડી લૂંટ, મુસાફરો હાલાકી વેઠવા મજબૂર
પૈશાબ માટે રૂ.10 વસૂલાતનો વીડિયો વાયરલ, નિઃશુલ્ક સુવિધા હોવા છતાં ખુલ્લેઆમ ઉઘરાણી
ખાનગી ઇજારદારના કર્મચારી સામે મુસાફરોમાં ભારે રોષ, એસટી તંત્રની કામગીરી પર સવાલ
( પ્રતિનિધિ ) વડોદરા, તા. 22
વડોદરામાં નાગરિકોને વિવિધ રીતે હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે હવે એસટી બસ ડેપો પણ આમાંથી બાકાત રહ્યો નથી. વડોદરા એસટી ડેપો ખાતે શૌચાલયમાં પૈશાબ કરવા માટે મુસાફરો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હાલ શહેરના તમામ જાહેર શૌચાલયોમાં પૈશાબ માટે નિઃશુલ્ક સુવિધા છે, તેમ છતાં એસટી ડેપોમાં ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વડોદરા એસટી ડેપો ખાતે આજે એક મુસાફરે શૌચાલયમાં ચાલતી ઉઘરાણીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે, શૌચાલયમાં પૈશાબ કરવા માટે રૂ.10 વસૂલવામાં આવી રહ્યા છે. વીડિયો ઉતારનાર મુસાફર ઉપરાંત અન્ય મુસાફરો પણ શૌચાલયમાં પૈસા માંગવામાં આવતા હોવાની ફરિયાદ કરતા નજરે પડે છે.

મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં આવેલાં અન્ય તમામ જાહેર શૌચાલયોમાં માત્ર શૌચ ક્રિયા જવા માટે જ અંદાજે રૂ.10 ચાર્જ લેવામાં આવે છે, જ્યારે પૈશાબ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. તેવા સંજોગોમાં વડોદરા એસટી ડેપો ખાતે ખાનગી ઇજારદારને સોંપાયેલા શૌચાલયમાં ફરજ પર હાજર કર્મચારી દ્વારા મુસાફરો પાસેથી ખુલ્લેઆમ રૂપિયા વસૂલવામાં આવતા મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

આ ઘટનાને લઈને એસટી તંત્રની દેખરેખ અને ખાનગી કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. મુસાફરો દ્વારા માંગ ઉઠી છે કે, સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં મુસાફરોને આવી હાલાકીનો સામનો ન કરવો પડે.