મધાસર ચોકડી અને અલીન્દ્રા વિસ્તારમાં ચાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ
કાલોલ |
એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મધાસર ચોકડી પંચ હોટલ પાસે તથા અલીન્દ્રા પેટ્રોલ પંપ નજીકના વિસ્તારમાં પરપ્રાંતીય ઈસમોને મકાન ભાડે આપીને તથા નોકરી પર રાખીને સ્થાનિક પોલીસ મથકે સમયમર્યાદામાં નોંધણી ન કરાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
મળેલ માહિતીના આધારે અલીન્દ્રા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ભગવતી ટ્રેડર્સ નામના કાચના ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં વિમલેશ કુશવાહા (મૂળ ઉત્તરપ્રદેશ) છેલ્લા ત્રણ માસથી કામદાર તરીકે કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉનના માલિક દરજી વિજયભાઈ ઇન્દ્રવદન (રહે. હાલોલ) દ્વારા ન તો સ્થાનિક પોલીસ મથકે નોંધણી કરાવવામાં આવી હતી કે ન કોઈ ઓળખ પુરાવો મેળવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મધાસર ચોકડી વિસ્તારમાં પરપ્રાંતીય ઈસમોને પોતાના મકાન ભાડે આપી નોંધણી ન કરાવનાર ત્રણ મકાન માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં
જયદીપસિંહ ફોગટભાઈ લાવારીયા (રહે. મધાસર ચોકડી),
લક્ષ્મણસિંહ ઉર્ફે કોયો રંગીતસિંહ સોલંકી (રહે. મધવાસ) અને
**જશવંતભાઈ કનુભાઈ પટેલ (રહે. મઘવાસ)**નો સમાવેશ થાય છે.
આ તમામ મકાનમાલિકોએ પરપ્રાંતીયોને માસિક ભાડે મકાન આપ્યા હોવા છતાં કોઈપણ પ્રકારનું આઈડી પ્રૂફ મેળવ્યું ન હતું તેમજ સ્થાનિક પોલીસ મથકે ફરજિયાત નોંધણી પણ કરાવી ન હતી.
આ મામલે એસઓજી પોલીસ દ્વારા કાલોલ પોલીસ મથકે જાહેરનામા ભંગ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા