શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટર દ્વારા ફાર્માસિસ્ટ સાથે ઝપાઝપીમાં બચાવ કરવા વચ્ચે પડેલા પ્યુનને હાથે ઇજા…
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં સ્ટ્રોકના દર્દી માટે દવાની સ્ટ્રીપ લેવા બાબતે ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ફાર્માસિસ્ટ સાથે બોલાચાલી બાદ ઝપાઝપી કરતાં ઝઘડામાં ફાર્માસિસ્ટ ને બચાવવા દોડી ગયેલા પ્યુનને ડોક્ટરોએ માર મારતાં હાથમાં ઇજાઓ પહોંચી હોવાનો મામલો હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચ્યો હતો.
મધ્યમ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ જ્યાં વડોદરા શહેર જિલ્લા ઉપરાંત આસપાસના શહેરો, ગ્રામ્ય તથા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. આ હોસ્પિટલ અવારનવાર વિવાદોનુ કેન્દ્ર બની છે. અહીં છાશવારે કોઇને કોઇ વિવાદ સર્જાતા હોય છે ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ગતરોજ એસ.એસ.જી.હોસ્પિટલમાં સ્ટ્રોકના દર્દીઓ આવે ત્યારે તેઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તાત્કાલિક વિભાગમાં ફાર્માસિસ્ટ દ્વારા એકાદ બે દવાની સ્ટ્રિપ અને સલાઇન, ઇંજેક્શન આપવામાં આવે છે તેથી વધુની જરૂરિયાત સામે પ્રિસ્ક્રિપ્શન વિના આપવામાં આવતું નથી ત્યારે ગતરોજ ઇન્ટર્ન ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર વિભાગના ફાર્માસિસ્ટ પાસેથી સ્ટ્રોકના દર્દી માટે દવાની સ્ટ્રિપ માંગવામાં આવી હતી પરંતુ બે થી વધુ સ્ટ્રિપની માંગ સામે ફાર્માસિસ્ટ દ્વારા પ્રિસ્ક્રિપ્શન ની માગણી નિયમ મુજબ કરવામાં આવતા ઇન્ટર્ન ડોક્ટર દ્વારા રેસિડેન્ટ ડોક્ટરને વાત કરી હતી અને મામલો ગરમાયો હતો જો કે એલ.એલ.ઓ.એ સમગ્ર મામલો શાંત પાડ્યો હતો પરંતુ ઇન્ટર્ન ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટર ફાર્માસિસ્ટ સાથે આ મુદ્દે બહેશબાજી કરી હતી જેમાં બોલાચાલી બાદ મામલો બિચકતા ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરો અને ફાર્માસિસ્ટ વચ્ચે ઝપાઝપી થઇ હતી દરમિયાન ફાર્માસિસ્ટ ને બચાવવા દોડી ગયેલા પ્યુન દેવેન્દ્ર પરમારને ડોક્ટરોએ માર મારતા દેવેન્દ્ર પરમારને હાથમાં ઇજા પહોંચી હતી જેથી દેવેન્દ્ર પરમારને એસ.એસજી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી પરંતુ દેવેન્દ્ર પરમારે બહાર ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે કઢાવતા હાથની આંગળીમાં ફ્રેકચર હોવાનું જણાયું હતું અને હાથ પર પ્લાસ્ટર ચઢાવાયુ હતું જો કે એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફ્રેકચર નિદાન થયું ન હતું. આ સમગ્ર મામલો હવે એસ.એસ.જી.હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. હેલૈયા પાસે પહોંચ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે દેવેન્દ્ર પરમારને ન્યાય મળે છે કે કેમ?