Vadodara

એસએસજી હોસ્પિટલનું વિશ્રામ સદન બંધ હાલતમાં,બહારના દર્દીઓના સગાઓ ચોમાસામાં વિશ્રામથી વંચિત

તંત્રની બલિહારી :પાવરગ્રીડ નામની કંપનીના સીએસઆર ફંડના સહયોગથી કરોડોના ખર્ચે બનેલ વિશ્રામ સદન વિશે ઘણાને માહિતી જ નથી

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ જ્યાં વડોદરા શહેર જિલ્લા તથા રાજ્યના અનેક સ્થળો ઉપરાંત રાજ્ય બહારથી પણ દરરોજના મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. અહીં આવતા બહારના દર્દીઓ આર્થિક રીતે સધ્ધર હોતા નથી ત્યારે તેઓની સાથે આવતા તેમના સગાઓને દર્દીની સારવાર દરમિયાન શહેરમાં રહેવાનો પ્રશ્ન ઉદભવતો હોવાથી રાજ્ય સરકારના માર્ગદર્શન તથા પાવરગ્રીડ નામની કંપનીના સીએસઆર ફંડમાંથી શહેરના કાલાઘોડા નજીક એસ.એસ.જી.હોસ્પિટલ નું સુવિધાસભર વિશ્રામ સદન તૈયાર કરવામાં આવ્યું હતું. આ વિશ્રામ સદનના શુભારંભ સમયે મંત્રી, સાંસદ, ધારાસભ્યો દ્વારા જે તે સમયે ખૂબ વાહવાહી પણ લૂંટી હતી પરંતુ ત્યારબાદ આ વિશ્રામ સદન વિશે બહારના સગાઓને યોગ્ય રીતે માહિતી ન આપતાં તેની જાણકારી બહારથી આવતા સગાઓને થતી ન હતી. અગાઉ અહીં ₹75માં ચોવીસ કલાક રહેવાની જેમાં સૂવા માટે બેડ, પંખા, લાઇટ ,સંડાસ બાથરૂમ ની તથા જમવાની વ્યવસ્થા આપવામાં આવતી હતી. જે અત્યંત ગરીબ દર્દીઓના સગાઓ માટે થોડી રાહત હતી. આ વિશ્રામ સદન માટે એસ.એસ.જી.હોસ્પિટલમાં ફક્ત બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે પરંતુ ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ કે સિક્યુરિટી દ્વારા બહારથી આવતા દર્દીઓને આ સેવા અંગે માહિતગાર ન કરાતાં આખરે બહારના દર્દીઓના સગાઓને યોગ્ય જાણકારી મળતી ન હોઇ અહીં કોઇ ન આવતાં આખરે છેલ્લા ઘણા સમયથી આ વિશ્રામ સદન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. હોસ્પિટલ પ્રશાસન તથા સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય જાણકારી અથવાતો બહારથી આવતા લોકો સુધી આ વિશ્રામ સદનનો યોગ્ય પ્રચાર ન કરાતા આજે આ વિશ્રામ સદનમાં કોઇ જતાં નથી અને તેના કારણે બહારના દર્દીના સગાંઓને ઉનાળામાં તથા હાલ ચોમાસામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે શહેરના સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ વિશ્રામ સદન અંગે યોગ્ય જાણકારી બહારથી આવતા દર્દીઓને ઉપલબ્ધ કરાવી આ સેવા વહેલી તકે ફરીથી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત રાજ્યના આરોગ્ય વિભાગ તથા સ્થાનિક તંત્ર, સાંસદ, ધારાસભ્યો અને હોસ્પિટલ પ્રશાસનને કરવામાં આવી છે.

Most Popular

To Top