જટિલ એરવે સમસ્યાઓ ધરાવતા 10 દર્દીઓની સર્જરી સાથે નિદર્શન કરાયું
આજદિન સુધીમાં 50 થી વધુ કેસોની સફળતાપૂર્વક સારવાર કરી છે.

( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરાની એસએસજી હોસ્પિટલના ઈએનટી અને હેડ એન્ડ નેક સર્જરી વિભાગે 1 અને 2 મેના રોજ બરોડાની મેડિકલ કોલેજના ડીન ડો.આર.જી. ઐયરના માર્ગદર્શન હેઠળ એક સર્જિકલ કોન્ફરન્સ, VAD AIRWAY CON 2025નું આયોજન કર્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતના 100 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત એરવે સર્જનો, દિલ્હીના ડો.શશિધર ટીબી અને મુંબઈના ડો.અંજુ ચૌધરી આ કોન્ફરન્સમાં મહેમાન તરીકે હાજર રહ્યા હતા. વર્કશોપ દરમિયાન જટિલ એરવે સમસ્યાઓ ધરાવતા 10 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી દર્દીઓ આવ્યા હતા. જેમાં કેટલાક દર્દીઓ મધ્યપ્રદેશના અને એક ઉત્તરપ્રદેશના દર્દી હતા. દર્દીઓના લાભ માટે અને સમગ્ર ગુજરાતના ડોકટરોને શીખવાની તક પૂરી પાડવા માટે વિવિધ એરવે સર્જરીઓ કરવામાં આવી હતી અને તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. એસએસજી હોસ્પિટલના ઈએનટી અને હેડ એન્ડ નેક સર્જરી વિભાગ છેલ્લા 10 વર્ષથી શ્વાસનળી સાંકડા થવાના કેસોનું સક્રિયપણે સંચાલન કરી રહ્યું છે અને ભારતના પશ્ચિમ ભાગમાં દર્દીઓ માટે રેફરલ સેન્ટર છે. આજ સુધી 50 થી વધુ કેસોની સફળતાપૂર્વક સારવાર કરી છે. જેનાથી તેમને શ્વાસનળી ટ્રેકિયોસ્ટોમી ટ્યુબ પર આધાર રાખ્યા વિના સામાન્ય અવાજ અને શ્વાસ લેવામાં મદદ મળી છે.