જટિલ સર્જરીઓ બનશે વધુ સુરક્ષિત, આધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમથી દર્દીઓની સારવારમાં ગુણાત્મક વધારો
(પ્રતિનિધિ), વડોદરા. તા. 22
આધુનિક તબીબી ક્ષેત્રમાં ટેકનોલોજીનો સમાવેશ સારવારની ગુણવત્તામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહ્યો છે. દર્દીઓની સલામતીને પ્રાથમિકતા આપતા સયાજી હોસ્પિટલ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ હેઠળ એનસ્થેશિયોલોજી વિભાગને બે અત્યાધુનિક ‘હાઇ-એન્ડ એનસ્થેશિયા વર્કસ્ટેશન’ અર્પણ કરવામાં આવ્યા છે.
આ નવી મશીનોના કાર્યરત થવાથી સર્જરી દરમિયાન દર્દીઓને આપવામાં આવતી એનસ્થેશિયાની પ્રક્રિયા વધુ ચોક્કસ અને સુરક્ષિત બનશે. આધુનિક એનેસ્થેટિક ડ્રગ ડિલિવરી સિસ્ટમના કારણે દર્દીને જરૂરી દવાનો ડોઝ સચોટ રીતે આપવામાં આવશે, જેના પરિણામે સર્જરી દરમિયાન જોખમ ઘટશે.
આ વર્કસ્ટેશનોમાં સમાવિષ્ટ અદ્યતન વેન્ટિલેશન મોડ્સ ખાસ કરીને ફેફસાના ગંભીર રોગોથી પીડાતા તેમજ લાંબી સર્જરી કરાવતા દર્દીઓ માટે જીવનરક્ષક સાબિત થશે. સાથે સાથે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શરીરમાં ઓક્સિજનના સ્તર જેવી મહત્વપૂર્ણ માહિતીનું સેકન્ડે-સેકન્ડ મોનિટરિંગ શક્ય બનશે. કોઈપણ તાત્કાલિક ફેરફાર થાય ત્યારે સિસ્ટમ તરત જ તબીબોને સતર્ક કરશે.
હૃદયરોગ, શ્વસન સંબંધિત તકલીફો અથવા વૃદ્ધાવસ્થાને કારણે જોખમી ગણાતી સર્જરીઓ હવે વધુ સુરક્ષિત રીતે કરી શકાશે. આ નવી ટેકનોલોજી હોસ્પિટલની સારવાર ક્ષમતા વધારવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે અને ગંભીર દર્દીઓને સારવાર માટે મેટ્રો શહેરોમાં જવાની જરૂરિયાત ઘટશે.
IOCLના આ માનવીય અભિગમને સમગ્ર પંથકમાં પ્રશંસા મળી રહી છે અને જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના દિશામાં આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.