એક તરફ સરકાર લાખ્ખો રૂપિયા ફાળવે છે સુવિધાઓ માટે પરંતુ સ્થાનિક પ્રશાસન નિષ્ક્રિય બન્યું છે
જ્યારે પણ આરોગ્ય મંત્રી કે પછી કોઈ રાજકીય નેતાઓ અહીં વિઝિટ માટે આવે ત્યારે રાતોરાત કાયાપલટ કરતું તંત્ર આડે દિવસે દર્દીઓને રામભરોસે મૂકી દે છે

(પ્રતિનિધિ) વડોદરા તા 26
મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી, નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ આવવાનાં હોય ત્યારે હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને સુચનાઓ આપવામાં આવે છે ત્યારે દર્દીઓ અને દર્દીઓના પરિવારજનો માટે સુવિધાઓ કરી દેવામાં આવે છે પરંતુ આડા દિવસે દર્દીઓની સુવિધાઓનાં નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.દર્દીને વ્હિલચેર તથા સ્ટ્રેચર પર એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા માટે સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવતો નથી જેના કારણે દર્દીઓના સગાઓએ જ આ સેવા કરવા મજબૂર થવું પડે છે.


મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી વડોદરા શહેરમાં આવેલ એસએસજી હોસ્પિટલ વારંવાર વિવાદમાં જોવા મળે છે ત્યારે હાલમાં અહીં દર્દીઓને વ્હિલચેર તથા સ્ટ્રેચર પર એક જગ્યાએ થી બીજા વોર્ડ અથવા તપાસ,એક્સરે વિગેરે માટે લઇ જવા લાવવા માટે હોસ્પિટલ નો સ્ટાફ ન અપાતા દર્દીઓના સગાઓએ જ પોતાના દર્દીને લઈ આમ થી તેમ ભટકવાનો વારો આવે છે.દર્દીઓના પરિજનોની વ્યથા અને વેદના સામાજીક કાર્યકરે જોતાં ઓચિંતી વિઝીટ કરતાં જણાયુ હતું કે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને પરીવારજનોને ડોક્ટર દ્વારા એક્સરે, સોનોગ્રાફી,સિટી સ્કેન બ્લડ ટેસ્ટ યુરીન ટેસ્ટ તેમજ અન્ય રીતે અહીંથી તહીં ધક્કા ખવડાવવામાં આવે છે ત્યારે એસએસજી હોસ્પિટલમાં લાખ્ખો રૂપિયાનાં કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે છતાં દર્દીને દર્દીઓનાં પરીવારજનો સ્ટેચર અને વ્હીલચેર પર લાવવા લઈ જવા માટે મજબુર બન્યા છે વધુમાં સામાજીક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે એસ એસ જી હોસ્પિટલમાં રજસ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને લાખ્ખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાકટર ની કામગીરીમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. જ્યારે આરોગ્ય મંત્રી અથવા અન્ય અધિકારીઓ જાત તપાસ માટે આવતા હોય છે ત્યારે રાતોરાત હોસ્પિટલ પ્રશાસન દ્વારા હોસ્પિટલમાં રંગ રોગાન કરી મેકઅપ પાવડર લગાવવામાં આવે છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે હોસ્પિટલ નું નામ વારંવાર વિવાદમાં આવે છે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયર અને આરએમઓ દ્વારા જાત તપાસ કરી આવા કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ આવનારા દિવસોમાં એસ એસ જી હોસ્પિટલના જવાબદાર વ્યક્તિઓ દ્વારા કોન્ટ્રાકટર પર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.