( પ્રતિનિધિ )વડોદરા,તા.19
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા શહેરમાં સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાયા હતા. જેના કારણે રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડી હતી. જ્યારે, વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા પલટાને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પણ અટવાયા હતા. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી.



વડોદરા સહિત રાજ્યમાં બે દિવસ અપર એર સર્ક્યુલેશનના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વડોદરામાં ગુરુવારે વહેલી સવારે ખુશનુમા વાતાવરણનો અહેસાસ થયો હતો. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાયા હતા. પરિણામે ગરમીની મોસમમાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. મહત્તમ તાપમાન 35.4 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડીગ્રી સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા અને સાંજે 27 ટકા નોંધાયું હતું. એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે હવામાનમાં અચાનક મોટો પલટો આવતા અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક મહાનગરોમાં પણ ધૂળની ડમરીઓ ઉડવાની સાથે જોરદાર પવન ફૂંકાયો હતો. આ અણધાર્યા ફેરફારને કારણે ગરમીથી કામચલાઉ રાહત મળી છે, પરંતુ વંટોળ અને વરસાદને લીધે વ્યાપક અસર કેટલાક જિલ્લામાં જોવા મળી રહી છે. નોંધનીય છે કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે ગુરુવારે વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. જ્યારે સાંજના સમયે 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની પણ ઘટના બની હતી. આ ઉપરાંત શહેરના છુટા છવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટન ડીસ્ટર્બન્સ સક્રિય થતા શહેરમાં પણ વરસાદીમાં માહોલ સર્જાયો હતો. નિષ્ણાંતોના મતે સાયકલોનિક સર્ક્યુલેશનની અસરને કારણે શુક્રવારે પણ કેટલાક સ્થળે વરસાદની સંભાવના છે. દિવસે આકાશ અંશતઃ વાદળછાયું રહેવાની શક્યતા છે. જ્યારે આગામી ત્રણ દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.