એરપોર્ટ રોડ પર ટ્રાફિકનું કારણ બનેલા દબાણો હટાવાની મા
ત્રણ મહિના બાદ યોજાયેલી એમપી-એમએલએ સંકલનમાં ધારાસભ્યોએ બાકી કામોનો હિસાબ માંગ્યો
વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે આજે ત્રણ મહિના બાદ એમપી એમએલએ સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના ધારાસભ્યો યોગેશ પટેલ, કેયુર રોકડિયા, મનીષા વકીલ સહિત અન્ય ધારાસભ્યો હાજર રહ્યા હતા. જેમાં ધારાસભ્યો દ્વારા પોતાના પાછળ બાકી કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં ચાલતી પ્રિ મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને નવી કામગીરી હાલ કોઈ શરૂ ન કરાય તેવી રજૂઆત પણ ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી. સંકલન બેઠક દરમિયાન શહેરના વિવિધ ધારાસભ્યો દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઊઠાવવામાં આવ્યા. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ટેન્ડર પ્રક્રિયામાં ખામીઓ અને આરોગ્ય વિભાગની સળંગ કામગીરી અંગે ચર્ચા કરતાં નકલી ખાદ્યપદાર્થ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ચોમાસા પૂર્વે ખાડાઓ ભરવા અને અગાઉ રજૂ કરેલા વિકાસ કાર્યો અંગે તાગ માંગ્યો. શહેર ધારાસભ્ય મનીષા વકીલે ટ્રાફિક સમસ્યા, વીજળીની અવારનવાર થતા વિઘ્નો અને વરસાદી પાણીની નિકાલ જેવી જરૂરી સમસ્યાઓ રજૂ કરી. ત્રણે ધારાસભ્યોએ પાલિકા તંત્રને સમયસર અને અસરકારક કામગીરી માટે આગ્રહ કર્યો અને તાત્કાલિક પગલાં લેવા સૂચન કર્યું. સાથે જ પોતાના વિસ્તારોમાં બાકી કામો અને ભવિષ્યના કામો અંગે અજુઆત અને સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાની રજૂઆતમાં કહ્યું, પાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં ખામી છે. જેના લીધે પાલિકાના વધુ પૈસા વેડફાય છે. ખરીદી કરવાની જે પ્રક્રિયા છે તે સમયસર થતી નથી. વધુમાં તેમણે પોતાનું સૂચન કરતા કહ્યું, શહેરમાં હાલ અલગ અલગ વિભાગો દ્વારા કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં પાલિકા, ગેસ વિભાગ તેમજ જીઇબી પણ કામ કરી રહ્યું છે. દરેક કામગીરી અંગેના બોર્ડ લાગે તે જરૂરી છે જેથી નાગરિકો એવું ન સમજે કે, ફક્ત પાલિકાના જ કામો ચાલે છે. ચોમાસમાં નાગરિકોના સ્વાસ્થ્ય અંગે રજૂઆત કરતા તેમણે કહ્યું, વરસાદને લીધે કોઈ રોગચાળો ન ફેલાય તે માટે ધ્યાન રાખવું જરૂરી છે. આરોગ્ય વિભાગ ફક્ત પાણીપુરીવાળાને જ પકડે છે. એની જગ્યાએ નકલી સમાન વેચાઈ રહ્યો છે ત્યાં પણ કાર્યવાહી કરવી જોઈએ.

સંકલનમાં સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું, ચોમાસા પહેલા શહેરમાં ખાડાઓ ઝડપથી ભરાઈ જાય તેવું આયોજન થવું જોઈએ. આ બાબતે કમિશનરે અધિકારીઓને તાત્કાલિક આદેશ આપી બે પાંચ દિવસમાં કામગીરી પૂર્ણ કરવા કહ્યું હતું. વધુમાં ધારાસભ્યે પોતાના પાછલા બાકી કામો અંગેનો પણ તાગ માંગ્યો હતો. જેમાં છાણી લિનિયર પાર્ક, ઇંગલિશ મીડિયમ સ્કૂલ અને દશામાં તળાવ અંગેની અગાઉની રજૂઆત હતી. જેમાં પાલિકાએ જવાબ આપતા કહ્યું, લિનિયર પાર્ક માટે કન્સલટન્સીની નિમણૂક કરી છે. દશામાં તળાવ અંગે ત્રણ વાર ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે અને હાલ ટેન્ડર પ્રોસેસમાં છે. જ્યારે ઇંગલિશ મીડિયમ સ્કૂલ માટે પ્લોટની ફાળવણી આગામી સમયમાં થશે. સાથે જ ધારાસભ્યે નવાયાર્ડ ટીપી 13માં અંદર બ્રિજ બનાવવાની રજૂઆત કરી હતી.

ધારાસભ્ય મનીષા વકીલે એરપોર્ટ પાસે સર્જાતા ટ્રાફિક અંગે રજૂઆત કરતા કહ્યું, એરપોર્ટ રોડની બંને બાજુ લિનિયર ગાર્ડન આઠ મીટરના છે, જેને ઓછા કરવા જરૂરી છે. આમ કરવાથી ટ્રાફિક સમસ્યા ઘટાડો થઈ શકે એમ છે. વધુમાં ત્યાં જેટલું પણ દબાણ છે તે હટાવવું જરૂરી છે. એક નાનું બસ સ્ટોપ પણ મૂકવામાં આવ્યું છે તે પણ અડચણરૂપ છે. હરણી વિસ્તારમાં લાઈટ જવાની સમસ્યા અંગે તેમણે રજૂઆત કરતા કહ્યું, હરણી વિસ્તારમાં અવારનવાર લોડ વધવાથી વીજળી ડૂલ થવાની સમસ્યા સર્જાય છે. તો ત્યાં સબ સ્ટેશન બનાવવા માટે પ્લોટ ફાળવવો જરૂરી છે. વરસાદી કામગીરી અંગે પોતાની રજૂઆતમાં કહ્યું, આજવા ચોકડી તરફ વરસાદી કાંસની સફાઈ કેટલીક જગ્યાએ હજુ પણ અધૂરી છે. જે તાકીદે પૂર્ણ થવી જોઈએ. સાથે જ વારસિયા રિંગ રોડ પર ડ્રેનેજનું કામ ઝડપથી પૂર્ણ થવું જોઈએ. અધિકારીઓ ઓફિસ બહાર નીકળે તો કામ વેહલી તકે પૂર્ણ થઈ જશે. વધુમાં તેમણે કહ્યું, અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વડોદરામાં બિલ્ડિંગની હાઇટ ચેક કરવી જરૂરી છે. પ્લિન્થ લેવલે ઇમારતનું કામ હોય ત્યારે જ એરપોર્ટનું NOC મળે તેવું આયોજન થવું જોઈએ.