એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષના હસ્તે વડોદરા એરપોર્ટ ડિરેક્ટરને એવોર્ડ એનાયત :
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરા એરપોર્ટને ગ્રાહક સંતોષ સર્વેક્ષણ 2025 માં (કેટેગરી II) એરપોર્ટ હેઠળ બીજો ક્રમાંક મેળવ્યો છે. વડોદરા એરપોર્ટ વાર્ષિક 0.5 થી 1.5 મિલિયન મુસાફરોનું સંચાલન કરે છે. નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષના હસ્તે વડોદરા એરપોર્ટ ડિરેક્ટર એમએસઆઈ દાઉદને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ માન્યતા મુસાફરોના અનુભવ અને સેવાની ગુણવત્તા વધારવા માટે વડોદરા એરપોર્ટના સતત પ્રયાસોને પ્રકાશિત કરે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, વડોદરા, ગ્રાહક સંતોષને મુખ્ય કાર્યકારી ધ્યેય તરીકે પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છે.

નોંધનીય છે કે, ભારતભરના 60 જેટલા એરપોર્ટ પર વ્યાપક ગ્રાહક સંતોષ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટમાં રહેલી ગ્રાહકો માટેની સુવિધાઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવતી સેવાઓ અને ત્યારબાદ મુસાફરોના એકંદર અનુભવ સહિત વિવિધ પરિમાણોને આધીન ગ્રાહકના સંતોષનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જ્યારે, ગત વર્ષે જુલાઈમાં ગુજરાત રાજ્યના રેન્કિંગમાં વડોદરા એરપોર્ટ 5 માંથી 4.92 સ્કોર અને જામનગર એરપોર્ટ સ્કોર 5 માંથી 4.88 સ્કોર સાથે બીજા સ્થાને તથા ત્રીજા સ્થાને સુરત એરપોર્ટ સ્કોર 5 માંથી 4.87 તેમજ ભાવનગર એરપોર્ટ સ્કોર 5 માંથી 4.77 અને લાસ્ટમાં કેશોદ એરપોર્ટ સ્કોર 5 માંથી 4.41 સ્કોર પર રહ્યું હતું.