ટીઆરબી જવાનને કાયમી ધોરણે ફરજ મુક્ત કરાયા, પોલીસ કમિશનરની કડક કાર્યવાહી
(પ્રતિનિધિ) વડોદરા, તા. 24
વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે અસભ્ય વર્તન કરવાના મામલે પોલીસ કમિશનરે કડક પગલા લીધા છે. ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી દેવામાં આવી છે, જ્યારે સાથે ફરજ પર રહેલા ટીઆરબી જવાનને કાયમી ધોરણે ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, તા. 22 જાન્યુઆરીના રોજ કાલાઘોડા સર્કલ નજીક એમ.એસ. યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને ટ્રાફિક પીએસઆઈ અને સ્ટાફ દ્વારા રોકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનો આક્ષેપ છે કે તેની સાથે ઉદ્ધત અને અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. ફટકારવામાં આવેલા ટ્રાફિક મેમોમાં વાહન નંબર અને ચહેરાની જગ્યાએ માત્ર હાથનો ફોટો દર્શાવાયો હતો તેમજ સરનામું પણ ખોટું દર્શાવવામાં આવ્યું હતું. ઉપરાંત જેલમાં નાંખી દેવાની, મોટો કેસ કરવાની અને રૂપિયા 3000 પડાવી લેવાની ધમકી આપ્યાનો પણ આરોપ વિદ્યાર્થીએ લગાવ્યો હતો.
આ ગંભીર આક્ષેપોને ધ્યાનમાં લઈ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે તાત્કાલિક કાર્યવાહી કરતાં ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ કિરણ ગોબર જોગદીયાની હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે અને ટીઆરબી જવાન સિંધા યશપાલસિંહ પ્રતાપસિંહને ફરજ પરથી કાયમી મુક્ત કર્યા છે.
આ સમગ્ર ઘટનાની તપાસ નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક પશ્ચિમ) રૂષિકેશ ઉપાધ્યાયને સોંપવામાં આવી છે. તપાસનો અહેવાલ 28 જાન્યુઆરી પહેલાં રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. તપાસના અંતે દોષિતો સામે વધુ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.