અત્યાર સુધીમાં શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના કુલ 25 કેસમાંથી 17 બાળ દર્દીઓના મોત
ચારને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા જ્યારે 24 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા
(પ્રતિનિધિ) વડોદરા તા. 25
શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા હાલમાં શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો ધરાવતા મધ્યપ્રદેશના એક બાળદર્દીને ચાદીપુરા વાયરસ પોઝિટિવ કેસ આવ્યો છે. જેને હાલમાં પી.આઇ.સી.યુ.મા સારવાર આપવામાં આવી રહી છે.
ગત જૂન 16 થી ચોમાસાની શરૂઆતમાં ગોધરા, પંચમહાલ, દાહોદ, મધ્યપ્રદેશ, પાદરા અને વડોદરામાંથી શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો ધરાવતા બાળદર્દીઓના કેસો નોંધાયા હતા. જેના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.ગત તા. 22-07-2025 ના રોજ મધ્યપ્રદેશથી એક વર્ષનું બાળક શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું . જેનો રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો હતો જે પોઝીટીવ આવ્યો છે અને હાલમાં આ બાળ દર્દી પી.આઇ.સી.યુ.મા સારવાર હેઠળ છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમા અત્યાર સુધીમાં શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના કુલ 25 બાળદર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 24 બાળદર્દીઓના રિપોર્ટ માટેના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 24 બાળદર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 17 બાળદર્દીઓના મોત નિપજ્યાં હતાં અને 4 બાળદર્દીઓ સારવાર બાદ રિકવરી આવતાં તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેવાડાના વિસ્તારોમાં ખાસ કરીને કાચા અને માટીના મકાનો,તબેલાઓ ખાતે સેન્ડ ફ્લાય માખીથી આ રોગ ફેલાતો હોય છે ત્યારે ચોમાસા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પગલાં આ વખતે લેવામાં આવ્યા છે.