નિઝામપુરા વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા પાંચ દિવસથી પીવાનું શુદ્ધ પાણી સતત ગટરમાં વહી રહ્યું છે. જેના કારણે પાણીનો ભારે વ્યય થઈ રહ્યો છે. શહેરમાં એક તરફ પીવાના પાણીની તંગી વચ્ચે આવી સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરના નિઝામપુરામાં એમજીવીસીએલની લાઈનના કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. કામગીરી દરમિયાન બેદરકારીપૂર્વક ખોદકામ કરવામાં આવતા પાણી પુરવઠાની લાઇન તૂટી ગઈ હતી. લાઈન તૂટ્યા બાદ તરત જ પાણી બહાર વહી નીકળ્યું અને નજીકના ગટર માર્ગે વહેવા લાગ્યું હતું. ઘટના બન્યાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી લીકેજ બંધ કરવામાં આવ્યું નથી.

સ્થાનિક રહીશો જણાવે છે કે, સંબંધિત વિભાગને જાણ કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા માત્ર તાત્કાલિક તપાસના નામે સમય પસાર કરવામાં આવી રહ્યો છે. પરિણામે રોજે રોજ હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પૂરતું પીવાનું પાણી મળતું નથી, ત્યારે બીજી તરફ નિઝામપુરામાં પાણી ગટરમાં વહી જતું જોવું તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. સ્થાનિકોએ તાત્કાલિક લાઈનની મરામત કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.