કલાસરૂમનો અભાવ અને અનિયમિત લેક્ચર મુદ્દે એબીવીપીનો વિરોધ
યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવી રજૂઆત



( પ્રતિનિધિ )વડોદરા,તા.24
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચાલી રહેલા હિન્દુ સ્ટડી અભ્યાસક્રમમાં ક્લાસરૂમની વ્યવસ્થા અને લેક્ચર મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધાવી સમસ્યાના નિરાકરણ અર્થે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી હતી.
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલી રહેલા હિન્દુ સ્ટડીઝ અભ્યાસક્રમ અંગે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ વેદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં હિન્દુ સ્ટડીઝ અભ્યાસક્રમ ચલાવવો સારી બાબત કહેવાય. પરંતુ, છેલ્લા લાંબા સમયથી યોગ્ય ક્લાસરૂમની વ્યવસ્થા ઉપલબ્ધ નથી અને લેક્ચર પણ નિયમિત લેવામાં આવતા નથી. જેના કારણે અભ્યાસમાં ભારે વિક્ષેપ સર્જાયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીસીને આવેદન આપી જણાવાયું છે કે હિન્દુ સ્ટડીઝ જેવા વિશિષ્ટ અભ્યાસક્રમ માટે યોગ્ય સુવિધાઓની તાત્કાલિક જરૂર છે. વિદ્યાથીઓની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી, ક્લાસરૂમ તથા લેક્ચરની વ્યવસ્થા આગામી દિવસોમાં સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે તેવી માંગ એબીવીપી દ્વારા કરવામાં આવી હતી.