પગાર અને પીએફના પ્રશ્ને આંદોલના માર્ગે ઉતરવા ચીમકી ઉચ્ચારી
પ્રશ્નોનું નિરાકરણ નહિ આવેતો 100થી વધુ સુરક્ષા કર્મીઓનું હડતાળ પર ઉતરવા એલાન

( પ્રતિનિધિ )વડોદરા,તા.24
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં છેલ્લા બે વર્ષથી સેવા આપી રહેલી મેક્સ સિક્યુરિટી એજન્સીમાં પગાર પીએફ પ્રશ્ને આવેલી વિડંબનાઓને લઈ કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. જો વહેલા પગાર અને પીએફનો પ્રશ્ન હલ કરવામાં નહિ આવેતો આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ચીમકી ઉચ્ચારી હતી.
વડોદરાની એમએસયુ ખાતે છેલ્લા બે વર્ષથી મેક્સ સિક્યુરિટી એક્સપર્ટ નામની એજન્સી દ્વારા સુરક્ષા સેવાઓ આપવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાથી એજન્સીના સુરક્ષા કર્મચારીઓને સમયસર પગાર મળતા નથી તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. કર્મચારીઓ જણાવ્યા અનુસાર પીએફ, ઈએસઆઈ સહિતના લાભો અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી. અનેક વખત પૂછપરછ કરવા છતાં યોગ્ય જવાબ કે વિગત તેમને મળતી નથી. ત્યારે, હવે તેઓએ તીવ્ર વિરોધ કાર્યક્રમ શરૂ કરવાની પણ ચેતવણી આપી છે. આજે 24 તારીખ થઈ ગઈ ના છતાં ગયા મહિનાનો પગાર હજુ સુધી નહિ મળતાં આશરે 100 જેટલા સુરક્ષા કર્મચારીઓ એજન્સીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. કર્મચારી દક્ષા રોય અને અરવિંદ ગોહિલે જણાવ્યું હતું કે સતત મોડો પગાર મળવાથી તેમના ઘરની આર્થિક સ્થિતિ પર ભારે અસર પડી રહી છે, ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે અને અનેક પરિવારજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કર્મચારીઓએ યુનિવર્સીટીની હેડ ઓફિસને સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો આજે તેમની બાકી રકમ જમા નહીં કરવામાં આવે તો મંગળવારથી કોઈ પણ સુરક્ષા કર્મચારી ડ્યૂટી પર હાજર રહેશે નહીં, તેમજ તીવ્ર વિરોધ કાર્યક્રમ શરૂ કરવાની પણ ચેતવણી આપી હતી.