Vadodara

એમએસયુમાં સચવાયેલ ભગવાન બુદ્ધની અસ્થિ શ્રીલંકામા ગ્લોબલ એક્ઝિબિશનમાં મુકાશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.31

આગામી તા.4 થી 11 ફેબ્રુઆરી દરમિયાન શ્રીલંકામા યોજાનાર ગ્લોબલ એક્ઝિબિશનમાં ભગવાન બુદ્ધની અસ્થિ દર્શનાથે મૂકવામાં આવનાર છે. જે અસ્થિ એમ.એસ. યુનિવર્સિટીમાંથી રવાના કરવામા આવશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 3 જી ફેબ્રુઆરીના રોજ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં આવનાર હોવાથી પોલીસ અને યુનિવર્સિટી દ્વારા સુરક્ષા અને પૂર્વ તૈયારીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન બુદ્ધની અસ્થિ સાચવી રાખવામાં આવી છે .જેના દર્શન માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે, ત્યારે આગામી તારીખ 4 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકામાં ગ્લોબલ એક્ઝિબિશન યોજાનાર છે.જ્યાં આ એક્ઝિબિશનમાં ભગવાન બુદ્ધની અસ્થિ દર્શનાર્થે મૂકવામાં આવશે. તેવો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાતા આ અસ્થિ ને લેવા માટે કેન્દ્રીય મંત્રીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારવાના છે. ત્યારે,એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ એન્શિયન્ટ હિસ્ટ્રી ખાતે આવવાના હોવાથી યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ઉત્સાહ અને વહીવટી દોડધામ જોવા મળી રહી છે. મુખ્યમંત્રીના પ્રોટોકોલ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આર્ટસ ફેકલ્ટી ખાતે ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એમ એસ યુનિવર્સિટીનાં પ્રો.વાઈસ ચાન્સેલર ડો.મયંક વ્યાસ અને આર્ટસ ફેકલ્ટીના ડીન,ડીસીપી ઝોન-1 જગદીશ ચાવડા, એ ડિવિઝનના એસીપી અને સયાજીગંજ પોલીસ સ્ટેશના પીઆઇ ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રીના આગમનથી લઈને વિદાય સુધીના રૂટનું નિરીક્ષણ અને સુરક્ષા પ્રોટોકોલનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી કેમ્પસમાં વાહનોની અવરજવર અને પાર્કિંગ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં આયોજિત કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થાપન વિશે વિશેષ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટએ એમએસયુનો ગૌરવશાળી વિભાગ છે અને મુખ્યમંત્રીની મુલાકાતથી શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે નવી ઊર્જા મળવાની અપેક્ષા છે.

Most Popular

To Top