રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં 354 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે
યુનિવર્સીટીની હેડ ઓફિસ આવતીકાલે પોલીસ છાવણીમાં,ચુસ્ત બંદોબસ્ત રહેશે

( પ્રતિનિધી )વડોદરા,તા.7
એમ.એસ.યુનિવર્સિટીનો 74 મો પદવીદાન સમારોહ આજે યોજાશે. આ વખતે 354 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 246 વિદ્યાર્થિનીઓ ગોલ્ડ મેડલ મેળવી યુનિવર્સીટીમાં અવ્વલ રહેવા પામી છે. રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ ડીગ્રી અને ગોલ્ડ મેડલ મેળવશે.

વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા બમણી થઈ છે. ત્યારે આ વખતે 74 માં પદવીદાન સમારોહમાં સૌથી વધુ 246 વિદ્યાર્થીનીઓ ગોલ્ડ મેડલ મેળવશે. જ્યારે 108 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ મેળવશે. શનિવારે એમ.એસ. યુનિવર્સિટીમાં કમલા રમણ વાટીકા યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ પદવીદાન સમારોહ યોજાશે. જેમાં ચીફ ગેસ્ટમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્યના નવનિયુક્ત શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાંજા ઉપસ્થિત રહેશે. એમ.એસ.યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના મળીને કુલ 15031 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે જેમાં 8243 વિદ્યાર્થીની અને 6,788 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ડિગ્રી મેળવવા અને ગોલ્ડ મેડલમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. ચાલુ વર્ષે તો રેકોર્ડ બ્રેક કરી તે વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આજે યોજનારા 74 માં પદવીદાન સમારોહમાં 246 જેટલી વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જે સંખ્યા ગત વર્ષની તુલનામાં 60 ટકા જેટલી વધારે છે.


પોલીસ કર્મીઓને વિશેષ બ્રિફિંગ આપવામાં આવ્યું :
સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના શિક્ષણમંત્રી ઉપસ્થિત રહેનાર હોય સુલેહ-શાંતિ તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યો છે. પોલીસ વિભાગ દ્વારા તમામ પોલીસ કર્મીઓને વિશેષ બ્રિફિંગ આપવામાં આવ્યું છે. હેડ ઓફિસ વિસ્તાર તેમજ યુનિવર્સિટી કેમ્પસની આસપાસનો વિસ્તાર પોલીસની કડક નિગરાણી હેઠળ રહેશે તેમજ ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.