યુનિવર્સીટીના સત્તાધીશોની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં
અગાઉ પણ આ મેસ ખુલ્લામાં ભોજની સામગ્રી રાખતા વિવાદમાં આવી હતી :
( પ્રતિનિધી )વડોદરા,તા.2
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ બાદ હવે બોયઝ હોસ્ટેલ વિવાદમાં આવી છે. બોયઝ હોસ્ટેલની પાછળ ચાલતી મેસમાંથી રાત્રી ભોજન કરી રહેલા વિદ્યાર્થીઓની થાળીમાં પીરસેલા શાકમાં મરેલી ઇયળો નીકળતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા અને આ મામલે મેસના સંચાલકને રજૂઆત કરી હતી. જોકે આ પહેલા પણ આ મેસ ચલાવનાર સંચાલક સામે ભોજન ની વ્યવસ્થિત જાળવણી કરવામાં નહીં આવતા વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
વિવાદોનો પર્યાય બનેલી વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ રાત્રિ ભોજન માણ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની શાહી હજી તો સુકાઈ નથી. ત્યાં તો હવે ગર્લ્સ હોસ્ટેલ બાદ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની ઘટના શનિવારે સાંજે બની હતી. રાબેતા મુજબ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પાછળના ભાગે ચાલતી મેસમાં જમવા માટે પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓ થાળીમાં ભોજન લઈ જમવા માટે બેઠા હતા. તેવામાં ભીંડા બટાકાના શાકમાં મરેલી ઇયળો નજરે પડતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા.

તુરંત જ આ બાબતની જાણ તેમણે મેસના સંચાલકને કરી હતી. જોકે અગાઉની જેમ આ વખતે પણ આ મેસેજના સંચાલકે આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. અત્રે નોંધનીય બાબત છે કે, અવારનવાર મેસના સંચાલકો વિદ્યાર્થીઓને ચોખ્ખું ભોજન નહીં પીરસી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે. જેની સામે ઘણી વખત વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ અવાજ ઉઠાવી આવા મેસના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ મક્કમ પગલા ભરવામાં નહીં આવતા મેસ ચલાવતા સંચાલકોને છૂટો દોર મળી જતો હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ હાલાકી વેઠવા મજબુર બની રહ્યા છે.