વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા
સિક્યોરિટીથી તત્વોને રોકવામા ના આવે તો પોલીસ બંદોબસ્તની પણ માંગ

( પ્રતિનિધિ )વડોદરા,તા.5
સરસ્વતી ધામમાં ફરીથી અસામાજિક તત્વોનોની એન્ટ્રીથી વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. એમ.એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં બહારથી કેટલાક તત્વો આવીને પોતાનો અડિંગો જમાવી રોફ ઝાડી રહ્યા હોઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા ફેકલ્ટી ડીનને રજૂઆત કરવામાં આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં નબળી સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો ઉઠ્યા છે. વધુ એક વખત બહારના તત્વોનો યુનિવર્સીટીમાં પગપેસારો થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જે સંદર્ભે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી, આર્ટ્સ ફેકલ્ટિ સ્ટુડન્ટ લીડર હર્ષ કહાર તથા યસ ગ્રુપ દ્વારા આર્ટ્સ ફેકલ્ટિના ડીન રજૂઆત કરવામાં આવી હતી. નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે, ઘણા કેટલાય સમયથી આર્ટ્સ ફેકલ્ટીની અંદર બહારના અસામાજિક તત્વો આવી ને ન્યૂયસન્સ ફેલાવી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી થાય છે. આર્ટસ ફેકલ્ટીમાં આવેલી કેન્ટીનની બહાર આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પોતાનું વ્હીકલ અંદર લઈ જવાની મનાઈ હોવા છતાં સિક્યોરિટી ગાર્ડને ધાક ધમકી બતાવીને વ્હીકલ અંદર લઈ જવામાં આવે છે. સિક્યોરિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. થોડા દિવસ પહેલા પણ આર્ટસ ફેકલ્ટીમાં બહારના ઈસમોએ આવીને બહારના લોકો દ્વારા મારામારી કરવામાં આવી હતી, ઉપરથી બહારની તરફ કેમરા પણ ચાલતા નથી. આવી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા વિદ્યાર્થીઓ ભયના મોહાલમાં હોય તેવું લાગી આવે છે, માટે યસ ગ્રુપ દ્વારા રજૂઆત કરવામાં આવી કે , તાત્કાલિક ધોરણે જલ્દીથી જલ્દી કોઈ પગલાં લેવામાં આવે અને આઈડી કાર્ડનું ચેકિંગ કરવામાં આવે સાથે જો સિક્યોરિટીથી કોઈને રોકવામા ના આવે તો પોલીસ બંદોબસ્તની પણ માંગ કરવામાં આવી છે.