( પ્રતિનિધિ )વડોદરા,તા.11
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમા શર્મા વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રેલી સાથે ફટાકડા ફોડી તેઓનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્મા ગુજરાત પ્રવાસ અંતર્ગત એમએસયુની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ત્યારે, વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી રોઝરી સ્કૂલથી નીકળી એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે પહોંચી હતી. જ્યાં એમ.એસ. યુનિવર્સિટીના એબીવીપીના પ્રમુખ વેદ ત્રિવેદી તથા અન્ય હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી રાષ્ટ્રીય મંત્રી ક્ષમા શર્માનું સ્વાગત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ક્ષમા શર્માએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. સમગ્ર દેશમાં છાત્રોની સમસ્યાના સમાધાન માટે જમીન સ્તર પર કામ કરી રહ્યા છે. આજે એબીપીએ એક એવું અભિયાન ચલાવ્યું છે કે, જે વિદ્યાર્થી પરિષદના છાત્ર કાર્યકરો છે. દેશભરના કેમ્પસમાં જઈને તેમાં ચાલનારી ગતિવિધિઓને સામાન્ય વિદ્યાર્થીઓ પાસે જય માહિતી એકત્ર કરવાનું કામ કરે છે. જેથી કરીને વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રસ્તાવ લઈને આવે છે સરકાર પાસે માંગ કરે છે તો વિદ્યાર્થીઓની મૂળ સમસ્યા છે, તેની માટે વિદ્યાર્થીઓની વચ્ચે જવું પડતું હોય છે. એના સંદર્ભમાં અમારો આ પ્રવાસ છે અને એની માટે અમે આ વિદ્યાર્થી કાર્યકર્તાઓ વચ્ચે આવ્યા છીએ અને આ બે દિવસના પ્રવાસમાં અમે કેમ્પસમાં ચાલનારી ગતિવિધિઓ પર કામ કરીશું વિદ્યાર્થીઓને મળી તેમના અભિપ્રાય મેળવીશું.