Dahod

એનટીપીસીમાં આગ લાગી તે દિવસે ટોળાએ કંપનીના કોન્ટ્રાકટરને માર્યો હતો

દાહોદ:

દાહોદના ભાઠીવાડા ગામે એન.ટી.પી.સી. (નેશનલ થર્મલ પાવર કોર્પાેરેશન)ના સોલાર પ્લાન્ટમાં આગની ઘટનાના દિવસે બપોરે ૧૨ વાગ્યે ભાઠીવાડા ગામના મહિલા સહિત ૧૩ જેટલા લોકોના ટોળાએ કંપનીના કોન્ટ્રાક્ટર સહિત બેને કંપનીમાં કામ નહીં કરવા દેવા માટે માર માર્યાે હતો. આ ઘટના બહાર આવતા આગ કેવી રીતે લાગી તે રહસ્ય વધુ પેચીદુ બન્યું છે.

દાહોદના ભાઠીવાડા ગામે એન.ટી.પી.સી. (નેશનલ થર્મલ પાવર કોર્પાેરેશન)ના સોલાર પ્લાન્ટમાં લાગેલ આ આગની ઘટનાના દિવસે બપોરના ૧૨ વાગ્યાના આસપાસ દાહોદના ભાઠીવાડા ગામે ઝેર ફળિયામાં રહેતાં રેમાનભાઈ મકનાભાઈ વહોનીયા, ફરીદભાઈ કાળાભાઈ વહોનીયા, રસુલભાઈ મકનાભાઈ વહોનીયા, રસુલભાઈ મકનાભાઈની પત્નિ ચંદુબેન રસુલભાઈ વહોનીયા, અમિત રેમાનભાઈ વહોનીયા, અનિલભાઈ જયંતિભાઈ વહોનીયા, ધર્મા દિનેશભાઈ મેડા, રોહીતભાઈ રાજુભાઈ મેડા, કાળુભાઈ કડુભાઈ મેડા, અલ્કેશભાઈ મીઠાભાઈ વહોનીયા તથા અન્ય ત્રણ મહિલાઓ મળી ૧૩ જેટલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી ગુન્હાહીત કાવતરૂ કરી આ સોલાર પ્લાન્ટના કોન્ટ્રાક્ટર હર્ષદભાઈ વરજાંગભાઈ ચૌહાણ સાથે આ કંપનીનમાં કામ નહી કરવા દેવા માટે ઝઘડો તકરાર કરી ગેરકાયદેસર અવરોધ કર્યાે હતો. સોલાર પ્લાન્ટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લાકડીઓ અને પથ્થરો વડે આ ટોળાએ હુમલો કર્યાે હતો. જેમાં કોન્ટ્રાક્ટર હર્ષદભાઈ અને તેમની સાથેના તેઓના સહ મિત્ર અમરસીંગભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. ટોળાએ કોન્ટ્રાક્ટર હર્ષદભાઈની ફોર વ્હીલર ગાડીની તોડફોડ પણ કરી રૂા.૪૦ હજારનું નુકસાન પહોંચાડી ઉપરોક્ત ટોળુ નાસી ગયું હતું. તારીખ ૨૧મી એપ્રિલ એટલે કે આગની ઘટના બની હતી તેજ દિવસે બપોરના ૧૨ વાગ્યે ઉપરોક્ત મહિલા સહિતના ઈસમોના ટોળાએ આ ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે કંપનીના કોન્ટ્રાક્ટર હર્ષદભાઈ વરજાંગભાઈ ચૌહાણ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top