ગર્લ્સ હોસ્ટેલની મેસમાં કોન્ટ્રાકટ રદ કર્યા બાદ વિદ્યાર્થિનીઓને જમવા માટે હાલાકી
ઉગ્ર વિરોધ થતા ચીફ વોર્ડન દોડી આવ્યા,નવા કોન્ટ્રાકટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ

( પ્રતિનિધી )વડોદરા,તા.28
એમ.એસ.યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ મેસ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જેને લઈને વિદ્યાર્થીનીઓને પડી રહેલી મુશ્કેલીઓ પ્રશ્ને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના કાર્યકરો વોર્ડનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં રજૂઆત સાંભળનાર કોઈ ન હોઈ ડે.ચીફ વોર્ડનની નેમ પ્લેટ પર શાહી લગાવી વિરોધ નોંધાવ્યો હતો.


એમ.એસ.યુનિવર્સિટીની મેસમાં જ્યારથી વિવાદ થયો છે. ત્યારથી આજદિન સુધી કોઈ પણ પ્રકારના મેસની સુવિધાઓ કરવામાં આવી નથી. વિદ્યાર્થિનીઓને વરસાદના સમય ટાણે જમવા માટે ખુબ સમસ્યા થઇ રહી છે. સાથે તેમને જમવા માટે રોજ બરોજ વરસાદ હોવા છત્તા બહાર જવું પડે છે. યુનિવર્સિટી દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો તેને પણ 20 દિવસ થઇ ચુક્યા છે. નવો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો નથી. જેના કારણે વિદ્યાર્થિનીઓ હાલાકી વેઠવા મજબુર બની છે. આ અંગે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, ગર્લ્સ હોસ્ટેલની કોઈ પણ ખામી કે સમસ્યા હોય તેના માટે મળવા જઇયે કે ફોન કરીયે તો વોર્ડન જયિતા શર્મા દ્વારા કોઈ પણ જવાબ અપાતો નથી. તેમજ ખુબ ખરાબ રીતે અમારી સાથે અને વિદ્યાર્થીનીઓ સાથે વાત કરવામાં આવે છે. જેથી હોસ્ટેલની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ કરી જે બીજા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ હતી. પરંતુ રજૂઆત સાંભળવા માટે વોર્ડ જયિતા શર્મા હાજર ન હતા. ત્યારે, તેમના નામની પેલ્ટ પર શાહી લગાવી વિરોધ કર્યો હતો. હાલમાં ઉદભવેલી પરિસ્થિતિને લઈને ગર્લ્સ હોસ્ટેલની બહાર ડિલિવરી બોય મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. કારણ કે વિદ્યાર્થીઓ વરસાદમાં જમવા ક્યાં જાય ? જેને લઈ વિદ્યાર્થિનીઓ દ્વારા ઓનલાઇન ઓર્ડર કરવામાં આવતા હોય છે. ત્યારે, જો કોઈ બનાવ બનશે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે, ચીફ વોર્ડન વિજય પરમાર વોડર્ન ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને આજથી ટેન્ડર પ્રક્રિયા શરુ કરી હતી. નોંધનીય છે કે, ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ મેસનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો હતો. જેને ઘણા દિવસો થઈ ગયા છે, તેમ છતાં નવો કોન્ટ્રાકટ આપવામાં નહીં આવતા એનએસયુઆઈના વિરોધના કારણે મેનેજમેન્ટ દ્વારા ટેન્ડર પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવી હતી.