વડોદરામાં બીમારીથી કંટાળી SRP જવાનનો આપઘાત, પોલીસ તપાસ શરૂ
પ્રતિનિધિ, વડોદરા
વડોદરા શહેરમાં વધુ એક આપઘાતની દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ગંભીર બીમારીથી કંટાળેલા SRP જવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે વાડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ડભોઈ રોડ પર આવેલી મહાનગર સોસાયટીમાં રહેતા સુમનભાઈ શકુભાઈ રાઠવા (ઉંમર 44) છેલ્લા ઘણા વર્ષોથી SRP ગ્રુપમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ કમરના મણકાની ગંભીર બીમારીથી પીડાતા હોવાથી ચાલવામાં અસમર્થ બન્યા હતા અને ફરજ પરથી રજા પર હતા.
પરિવારમાં ચાર દીકરીઓ ધરાવતા સુમનભાઈ લાંબા સમયથી ચાલી રહેલી શારીરિક તકલીફને કારણે માનસિક રીતે પણ પરેશાન રહેતા હતા. આ પરિસ્થિતિથી કંટાળી તેમણે પોતાના મકાનના પાછળના ભાગે આવેલા સ્ટોરરૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા વાડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
હાલ વાડી પોલીસ દ્વારા આપઘાત પાછળ બીમારી સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.