Vadodara

એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 34.87 લાખનો વિદેશી દારૂ પકડાયો, નંદેસરી પોલીસ ઊંઘતી ઝડપાઈ

વડોદરા, તા. 26:
વડોદરામાં પીસીબી (પ્રોહિબિશન એન્ડ ક્રાઇમ બ્રાંચ)ની ટીમે નવા એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 34.87 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. ટ્રકમાં ડ્રાઇવરની કેબિન પાછળ ખાસ ચોર ખાનું બનાવી દારૂ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી પાડ્યા છે, જ્યારે દારૂ મંગાવનાર સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
મળતી માહિતી મુજબ, વિદેશી દારૂ ભરેલો ટ્રક ભરૂચથી નવા એક્સપ્રેસ હાઈવે મારફતે અમદાવાદ જવા નીકળ્યો હતો. દરમિયાન પીસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે 48 પર નંદેસરી ચોકડી નજીક બાતમી મળી હતી કે સફેદ રંગનો અશોક લેલેન્ડ ટ્રક દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે ટીમે ફાજલપુર ઉતરાણ નજીક વોચ ગોઠવી હતી.
થોડા સમય બાદ બાતમી મુજબનો ટ્રક આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકના પાછળના ભાગમાં કંઈ મળ્યું નહોતું, પરંતુ ડ્રાઇવર કેબિનની પાછળ બનાવેલા અલગ પતારા જેવા ગુપ્ત ખાને તપાસ કરતાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે ટ્રકના ચાલક જોધારામ જોગારામ જાટ (રહે. લોહારવા ગામ, તા. ધોરીમન્ના, જી. બાડમેર, રાજસ્થાન) અને ભાગીરથ સમારામ જાટ (રહે. લોહારવા ગામ, તા. ધોરીમન્ના, જી. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 34.87 લાખનો દારૂ અને બિયરના ટીન, રૂ. 17 હજાર રોકડા, મોબાઇલ ફોન અને રૂ. 15 લાખ કિંમતનો ટ્રક મળી કુલ રૂ. 50.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં સુત્રારામ સારણ જાટ, સુરજખાન સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એક્સપ્રેસ હાઈવે પરથી આટલો મોટો જથ્થો ઝડપાતા નંદેસરી પોલીસની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.

Most Popular

To Top