માતાનો માળો વિખેરાઈ ગયો…!!
દયાદરા પાસે એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતા કાર ઉભેલા ટેન્કરમાં ઘુસી ગઈ, સગર્ભા મહિલાનું મોત, બે બાળકો સહિત 4 ને ઇજા



મુંબઈથી 9 મહિનાનો ગર્ભ ધરાવતા કાકી અને તેમના બે બાળકોને લઈ ભત્રીજો તેના પિતરાઈ સાથે અમદાવાદ જતો હતો
ભરૂચ,તા.29
ભરૂચ સુપર એક્સપ્રેસ હાઇવે પર દયાદરા પાસે એક કારનું ટાયર ફાટ્યા બાદ ઉભેલા ટેન્કરમાં ઘુસી જતા સગર્ભા મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.આ ગોઝારા અકસ્માતમાં બે બાળકો સહીત 4 ઈસમોને ઈજા થઈ હતી.
અમદાવાદમાં રહેતા નરેશભાઈ સુથાર તેના પિતરાઈ સાગર જોડે ગત તા-27મી નવેમ્બરે છૂટક વાહનમાં સગર્ભા કાકી અને તેમના બાળકોને લેવા મુંબઈ ગયા હતા. મુંબઈથી કાકી પિન્કીબેન જયંતીભાઈ સુથાર (ઉ.વ.34) તેમના બે માસુમ બાળકો પૈકી 9 વર્ષનો કુલદીપ અને 6 વર્ષની ઈનાયાને વેન્યુ કાર નં-GJ-01,WQ-6974માં મુકવા આવેલા. ફોરવ્હીલ ગાડી આપી કાકા જયંતિભાઈ મુંબઈ જ રોકાઈ ગયા હતા.જ્યારે કાર સાગર ડ્રાઈવ કરી અંદર નરેશભાઈ, કાકી પીન્કીબેન અને તેમના બે બાળકોને બેસાડી અમદાવાદ રાણીપ આવવા નીકળ્યા હતા.
શુક્રવારે સવારે તેઓ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ભરૂચના દયાદરા ગામ પાસે કારનું આગળનું ટાયર ફાટતા સાગર સ્ટિયરિંગ પર કાબુ રાખી શક્યો ન હતો.કાર રોડની છેલ્લી ઈમરજન્સી પાર્કિંગ લાઈનમાં ઉભેલા કન્ટેનરમાં ઘુસી ગઈ હતી.
જેમાં કાકી તેમના બે બાળકો અને યુવાનોને ઇજા થઇ હતી. નવ મહિનાનો ગર્ભ ધરાવતા પિંકીબેનને ગંભીર ઇજા થતાં બેભાન થઈને ઢળી પડ્યા હતા.સમગ્ર ઘટના લઈને 108 એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. જે બાબતે ભરૂચ રૂરલ પોલીસે અકસ્માત અંગે કાર ચાલક પિતરાઈ સાગર સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી…..