રિક્ષા ચાલકે પીછો કર્યો પરંતુ બાઇક સવાર ગઠિયા હાથ આવ્યા ન હતા
પ્રતિનિધિ વડોદરા તા.14
છાણી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાંથી એક્ટિવા લઇને પોતાના ન્યુ સમા રોડ ખાતે ઘરે પરત આવતા 53 વર્ષીય મહિલાના ગળામાંથી બાઇક સવાર ગઠિયા રૂ. 25 હજારના સોનાના મંગળસૂત્રની ચીલઝડપ કરીને ફરાર થઇ ગયા હતા. મહિલાએ બુમાબુમ કરતા એક રિક્ષાચાલકે પીછો કર્યો પરંતુ બાઇક સવાર ગઠિયા હાથ આવ્યા ન હતા. મહિલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલા વેદાંત-2 શુક્લાનગર ખાતે રહેતા રમીલાબેન હસમુખભાઈ પટેલ (ઉ.વ.53) 6 ફેબ્રુઆરીના રોજ બપોરના અગીયાર વાગ્યાના સમયે ઘરેથી એક્ટિવા લઇને છાણી ખાતે શાંતાકુંજ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમિયાન બપોરના દોઢેક વાગ્યાના છાણીથી પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. તેઓ મહેસાણાનગર સર્કલથી શુક્લાનગર તરફ જતા રસ્તે મહેસાણાનગર સર્કલથી એક્ટિવા પર જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમની પાછળથી ડબલ સવારી બાઇક ચાલકો આવ્યા હતા જેમાંથી પાછળ બેઠેલા શખ્સે ચાલુ એક્ટિવા પર તેમના ગળામાં હાથનાખી પહેરેલા સોનાનુ મંગળસુત્ર વજન 15 ગ્રામનુ ઝુટવી લઈ પુરઝડપે બાઇક લઇને ભાગી ગયા હતા. મહિલાએ બુબાબુમ કરતા એક રીક્ષાના ચાલક ગઠિયાની બાઇકનો રીક્ષા લઇને પિછો કર્યો હતો. આમ મહિલાએ સોનાનુ મંગળસુત્ર રૂ.25 હજારની ચીલઝડપ કરનાર બાઇક સવાર બંને ગઠિયા સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે બંને ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.