પાદરા તાલુકાના ડભાસા ગામની કંપનીમાં કરુણ બનાવ
વડોદરા. તા.૨૪
એન્જિનિયરિંગ કંપનીમાં કામ દરમિયાન સિમેન્ટનું પતરૂ તૂટી જતા કામ કરતો કર્મચારી જમીન પર પટકાતા મોત નિપજ્યું હતું.
. પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક એકલબારા ગામની સીમમાં કે.પી. ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીમાં મહેશ પઢીયાર અને સુરેશ રમણભાઈ પઢીયાર (રહે: હનુમાન ફળિયું, ગંભીરા,આણંદ) કામ કરતા હતા. ગત બપોરે ત્રણ વાગ્યે બંને
કામ પર હતા. સુરેશભાઈ જીઆઈ ડીપાર્ટમેન્ટમાં આવેલા સિમેન્ટના પતરાના શેડમાં છત પર હવા ઉજાસના ગુબ્બારા ફીટ કરી રહ્યા હતા. ગ્રાઈન્ડર મશીન લઈને સેફટી બેલ્ટ સાથે લાઈફ લાઈન દોરી બાંધી કામગીરી ચાલુ હતી. પતરુ કાપવા માટે ગ્રાઈન્ડર મશીનનો વાયર ટૂંકો પડતા સુરેશભાઈ સેફટી બેલ્ટની લાઈફ લાઈન દોરીમાંથી વાયર છૂટો કરીને ગ્રાઈન્ડર મશીનના વાયરની આંટી કાઢવા ચાલીને આગળ ગયા હતા. એકાએક ધડાકાભેર સિમેન્ટનું પતરુ તૂટી પડતા જમીન પર પટકાયા હતા. કરુણ અકસ્માતના પગલે સુરેશભાઈને આખા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. કંપનીમાં હાજર કર્મચારીઓ તુરંત મદદ અર્થે દોડી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં સુરેશભાઈને ખાનગી હોસ્પિટલમાં સત્વરે ખસેડ્યા હતા. પરંતુ ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું .તેને કારણે ગંભીરા ગામમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.