Vadodara

“એકવાર અમારી સરકાર બનવા દો, અધિકારીઓને ઊઠબેસ કરાવીશું!” : ચૈતર વસાવા

પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખેલા પત્રના મુદ્દે ‘આપ’ના નેતાએ પણ સૂર પુરાવ્યો- અત્યારે અધિકારીઓ કોઈનું સાંભળતા નથી, અમારી સરકારમાં હિસાબ થશે

વડોદરા: ​ગુજરાતમાં અધિકારીશાહી અને નોકરશાહીના વધતા પ્રભાવ સામે લોકપ્રતિનિધિઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ તેમનું સાંભળતા ન હોવાની ફરિયાદ કરી હતી, જેને હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. વસાવાએ આ મુદ્દે સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વર્તમાન શાસનમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના કર્મચારીઓ સુધી કોઈ જનપ્રતિનિધિઓને ગણકારતું નથી.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જ્યારે જિલ્લાના પાંચ ધારાસભ્યો ભેગા મળીને મુખ્યમંત્રીને પત્ર લખતા હોય કે અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, ત્યારે સ્થિતિ ગંભીર ગણાય. તેમણે ઉમેર્યું કે, “ભાજપના પોતાના ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ પણ આજે વેદના ઠાલવી રહ્યા છે કે અધિકારીઓ તેમનું માનતા નથી. જનતા જ્યારે કામ લઈને આવે છે ત્યારે અધિકારીઓ તે કામો કરતા નથી.”
તંત્રને ચીમકી આપતા ચૈતર વસાવાએ કહ્યું કે, “એકવાર આમ આદમી પાર્ટીની સરકાર બનવા દો, અમે આ અધિકારીઓને બતાવી દઈશું કે ધારાસભ્ય શું હોય છે. જે અધિકારીઓ આજે જનતાના કામ નથી કરતા, તેમની પાસે ઉઠબેસ કરાવીને કામ કરાવીશું.” તેમણે વધુમાં ઉમેર્યું કે બંધારણે આપેલા અધિકારોનો ઉપયોગ કરીને જનતાને ન્યાય અપાવવામાં આવશે અને જે અધિકારીઓ અત્યારે જોહુકમી કરી રહ્યા છે, તેમની સામે અમારી સરકારમાં હિસાબ-કિતાબ કરવામાં આવશે.
આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવા સંકેત આપતા વસાવાએ કહ્યું કે, નોકરશાહીના આ વલણ સામે આમ આદમી પાર્ટી આવનારી વિધાનસભામાં સરકારને જડબેસલાક રીતે ઘેરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતે પણ ધારાસભ્ય તરીકે કલેક્ટર, ડીડીઓ કે એસપી પાસે જનતાના કામો કરાવે છે અને જો તેઓ કામ નહીં કરે તો પ્રજાની તાકાત શું છે તેનો પરચો બતાવવામાં આવશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચેના ગજગ્રાહના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ચૈતર વસાવાનું આ નિવેદન રાજકીય આલમમાં ચર્ચાનો વિષય બન્યું છે.

Most Popular

To Top